Gujarat

123 લાભાર્થીઓને 39.96 લાખની સહાય અપાઈ, આંબેડકર આવાસ અને કુંવરબાઈના મામેરાનો સમાવેશ

ગીર સોમનાથ જિલ્લા પંચાયત ખાતે સામાજિક ન્યાય સમિતિ અને સમાજ કલ્યાણ શાખાના સંયુક્ત ઉપક્રમે યોજનાકીય સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 123 લાભાર્થીઓને સહાય આપવામાં આવી.

ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ 70 લાભાર્થીઓને રૂ. 33.60 લાખની સહાય આપવામાં આવી. કુંવરબાઈનું મામેરૂ યોજના અંતર્ગત 53 લાભાર્થીઓને રૂ. 6.36 લાખની સહાય આપવામાં આવી.

મંજૂલાબહેન મૂછારે જણાવ્યું કે, આ કાર્યક્રમ ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતીના ભાગરૂપે યોજવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર એસ.સી, એસ.ટી અને પછાતવર્ગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.

ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ ડૉ. આંબેડકરના જીવન વિશે માહિતી આપી. જિલ્લા સમાજ કલ્યાણ નિરીક્ષકોએ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ અને વિવિધ યોજનાઓની માહિતી આપી.

સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અરસીભાઈ ચાવડાએ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સરકારી યોજનાઓથી માહિતગાર કરવાનો છે.

કાર્યક્રમમાં કારોબારી ચેરમેન ડાહ્યાભાઈ જાલોંધ્રા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વી.ઓ.જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દુદખિયા સહિત અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા.