Gujarat

134 વિદ્યાર્થીઓ CET પરીક્ષામાં સફળ, વાલી સંમેલનમાં શિષ્યવૃત્તિ અને પ્રવેશ અંગે માર્ગદર્શન

મહેમદાવાદ તાલુકામાં શૈક્ષણિક ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે. તાલુકાના ધોરણ 5ના વિદ્યાર્થીઓએ જ્ઞાનસેતુ CETની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. 134 વિદ્યાર્થીઓ મેરિટ યાદીમાં સ્થાન મેળવ્યું છે.

આ સફળ વિદ્યાર્થીઓના વાલીઓ અને શિક્ષકો માટે મોદજ કુમાર શાળા અને બીઆરસી ભવન વાંઠવાળી ખાતે એક વિશેષ બેઠક યોજવામાં આવી. બેઠકમાં સીઆરસી કો-ઓર્ડિનેટર્સે વિદ્યાર્થીઓને મળનારી સરકારી સહાય અને વિવિધ શાળાઓમાં પ્રવેશ અંગેની માહિતી આપી.

સફળ વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કૂલ્સ અને એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ્સમાં ધોરણ 6થી 12 સુધી નિવાસી શિક્ષણની મફત સુવિધા મળશે. વૈકલ્પિક રીતે, જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ સરકારી શાળામાં અભ્યાસ કરનારને રૂ. 41,000 અને ખાનગી શાળામાં અભ્યાસ કરનારને રૂ. 1,54,000ની શિષ્યવૃત્તિ મળશે.

વાલી સંમેલનમાં શિષ્યવૃત્તિ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો જેવા કે જન્મનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર અને બેંક પાસબુકની વિગતો રજૂ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સમગ્ર જિલ્લામાં મહેમદાવાદ તાલુકો આ સિદ્ધિ સાથે બીજા ક્રમે રહ્યો છે.