કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ગુજરાતને મળ્યા પછી ગાંધીનગર મહાનગરપાલિકાએ પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં કોમનવેલ્થ ગેમ્સના ભવ્ય આયોજન માટે નવીન આયોજનો હાથ ધરાઈ રહ્યાં છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા પંચેશ્વર સર્કલથી કોબા સર્કલ રોડને વિકસાવવા રૂ.157 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવાનું પ્લાનિંગ કરી રહી છે.
પંચેશ્વર સર્કલથી કોબા સર્કલ રોડ ડેવલપમેન્ટની કામગીરી સોંપવાનો નિર્ણય ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને પંચેશ્વર સર્કલથી કોબા સર્કલ રોડ ડેવલપમેન્ટની કામગીરી માટે રૂ.149.83 કરોડના અંદાજિત ખર્ચ સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી.
જેમાં 4.70 ટકા ઊંચા ભાવ ભરનારી એજન્સીને રૂ.156.86 કરોડના ખર્ચ સાથે આ કામગીરી સોંપવાની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી છે. જેના પર આજે શનિવારે યોજાનારી સ્થાયી સમિતીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. અગાઉ ધોળાકુવા જંક્શનથી પંચેશ્વર સર્કલ સુધી ડેવલપમેન્ટ કરવા નિર્ણય લેવાયો હતો.
કોમનવેલ્થ ગેમ્સ પહેલા ધોળાકુવાથી કોબા સર્કલ સુધીના સમગ્ર વિસ્તારને ડેવલપ કરાશે આ કામગીરી માટે કન્સલટન્ટ તરીકે પસંદ થયેલી એજન્સીને પ્રોજેક્ટ કોસ્ટનાં 1.50 ટકા લેખે ચૂકવણી કરવામાં આવશે. આમ કોમનવેલ્થ ગેમ્સ પહેલા ધોળાકુવાથી કોબા સર્કલ સુધીનો સમગ્ર વિસ્તાર આઈકોનિક રોડને ટક્કર મારે તેવી અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે.

