Gujarat

ગાંધીનગરવાસીઓને વીકએન્ડમાં ‘જલસો’ પડી જશે

ગાંધીનગરના નાગરિકોનો વીકએન્ડ યાદગાર બનાવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકાએ આવતીકાલે શનિવારે ‘જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ ‘ફ્રી એન્ટ્રી’ કાર્યક્રમ શહેરના આઇકોનિક સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે સાંજે 7 કલાકે શરૂ થશે, જેમાં દરેક વયજૂથના લોકો માટે મનોરંજનનું આયોજન કરવામાં આવ્યું છે.

લાઈવ મ્યુઝિક સહિત વિવિધ ગેમ્સનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકાએ આવતીકાલે શનિવારે ‘જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ ભવ્ય આયોજનમાં સંગીતપ્રેમીઓ માટે જાણીતા ‘રામસખા મંડળ’ દ્વારા લાઈવ મ્યુઝિક પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. જ્યારે સ્વાસ્થ્યને મહત્વ આપતા નાગરિકો માટે એનર્જેટિક ઝુમ્બા અને પરંપરાગત સંસ્કૃતિને માણવા માટે ગરબાની રમઝટ રહેશે. ઉપરાંત યુવાવર્ગ માટે ખાસ ડીજે અને વિવિધ મજેદાર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે.

મહાનગરપાલિકા દ્વારા મનોરંજનની સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે સ્થળ પર એક રક્તદાન શિબિરનું પણ વિશેષ આયોજન કરાયું છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરના તમામ નાગરિકોને પોતાના પરિવાર તથા મિત્રો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ વીકએન્ડના ‘જલસા સ્ટ્રીટ’ નો લહાવો લેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.