ગીર સોમનાથ જિલ્લામાં આજે સવારથી કમોસમી વરસાદે માહોલ બદલી નાખ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા.

છેલ્લા બે દિવસથી અસહ્ય ઉકળાટ બાદ આજે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તાલાલા ગીર પંથકમાં કમોસમી વરસાદે વૈશાખ માસમાં અષાઢી માહોલ સર્જી દીધો છે. તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.

આ કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. હજુ બચેલી કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ ઉપરાંત તલ અને બાજરી સહિતના પાકોને પણ નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.


