રાપર શહેરમાં લગ્નસરાની સિઝનમાં ટ્રાફિક સમસ્યાને નિયંત્રિત કરવા પોલીસે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી છે.
રાપર પીઆઈ જે.બી. બુબડીયાના નેતૃત્વમાં ટ્રાફિક શાખાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી.
આ ટીમમાં ASI મુકેશસિંહ રાઠોડ, નીલમબેન, ગજુભા ચૌહાણ, નટુજી ઠાકોર અને જયેશભાઈ સહિત TRB જવાનો સામેલ હતા.
પોલીસે દેના બેંક ચોક, એસટી ડેપો, સલારી નાકા અને ભૂતિયા કોઠા રોડ સહિતના વિસ્તારોમાં નગરપાલિકા સાથે સંયુક્ત કાર્યવાહી કરી હતી.
આ દરમિયાન ગેરકાયદે પાર્કિંગ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા 21 વાહન ચાલકોને કુલ રૂ. 10,600નો દંડ ફટકારવામાં આવ્યો હતો. વધુમાં 6 વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા હતા.
રસ્તા પર અડચણરૂપ લારી-ગલ્લા અને ગેરકાયદે પાર્કિંગ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કડક કાર્યવાહીને કારણે વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

