Gujarat

22-23 શનિ-રવિ અને 24, 25 માર્ચે હડતાળથી 4 દિવસ બેંકો બંધ રહેશે

બેંકોમાં 5 દિવસ વર્કિંગ, ગ્રેજ્યુઇટી રૂા.25 લાખ કરવી અને કર્મચારીઓની ભરતી સહિતના મુદ્દાઓ પડતર રહેતાં એસબીઆઈ, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા સહિતની 12 બેંકોના વડોદરાના 4 હજાર કર્મચારીઓ મળીને દેશના 8 લાખ કર્મી 24 અને 25 માર્ચે હડતાળ પર ઊતરશે. જ્યારે આ પહેલાં 22 અને 23 માર્ચે પણ રજા હોવાથી 4 દિવસ બેંકો બંધ રહેતાં લાખોનાં ટ્રાન્ઝેક્શન અટકશે.

યુનાઈટેડ ફોર્મ ઓફ બેંક યુનિયનના વડોદરાના કન્વીનર ડી.એલ.વ્યાસે જણાવ્યું હતું કે, હાલ બેંકોમાં સ્ટાફની અછત છે. દેશભરમાં બેંકોમાં 2 લાખ જેટલી જગ્યા ખાલી છે. જેમાં ક્લેરિકલ અને સબ સ્ટાફની ભરતી કરાઈ રહી નથી.

દેશમાં યુવાનોમાં બેરોજગારી વધી રહી છે તેવામાં યુનાઈટેડ ફોર્મ ઓફ બેંક યુનિયન બેરોજગાર યુવાનોને વાચા આપી રહી છે. બેંક યુનિયનની યાદીમાં જણાવ્યું હતું કે, પેન્ડિંગ પ્રશ્નો લાંબા સમયથી ચાલ્યા આવે છે. જેને ઉકેલવા સંદર્ભે સરકાર આંખ આડા કાન કરે છે. જેથી આ હડતાળનું એલાન આપવાની ફરજ પડી છે.

  • રિઝર્વ બેંક અને એલઆઈસીમાં 5 દિવસનું વર્કિંગ સિસ્ટમ છે. આ વર્કિંગ સિસ્ટમમાં બેંકના સ્ટાફે 40 મિનિટ વધુ કામીની તૈયારી પણ બતાવી છે.
  • એમ્પ્લોયી ડાયરેક્ટર, ઓફિસર ડાયરેક્ટરની જગ્યા 12 વર્ષથી ખાલી.
  • બેંકોના કામનું આઉટસોર્સિંગ કરાઈ રહ્યું છે, તેને રોકવામાં આવે.
  • ડીએફએસ તરફથી બેંકોની આંતરીક સર્વિસ કન્ડિશનમાં પણ દખલગીરી કરાય છે. જેથી બેંક કર્મીની જોબ સિક્યુરિટી પર જોખમ ઊભું કરાયું છે.
  • પાર્લામેન્ટમાં આઈડીબીઆઈ 51 ટકા હિસ્સો સરકારે જાળવી રાખવા જણાવ્યું હતું. આ હિસ્સો ઓછો કરી ખાનગીકરણની હિલચાલ થાય છે.