આયુર્વેદના પૌરાણિક શાસ્ત્રને આધુનિક સંશોધન સાથે જોડતી અને આરોગ્ય ક્ષેત્રે નવી દિશા આપતી જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (આઇ.ટી.આર.એ.) એ આજે તેના પ્રથમ પદવીદાન સમારોહનું આયોજન કર્યું. આ સમારોહમાં કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવ, સાંસદ પૂનમબેન માડમ, અને સંસ્થાના ડાયરેક્ટર પ્રો. ડો. તનુજા નેસરી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કુલ 234 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી.
આઇ.ટી.આર.એ. એ આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત રાષ્ટ્રીય મહત્વ ધરાવતું પ્રથમ સંસ્થાન છે. આ સંસ્થાનમાં તબીબી અભ્યાસ માટે સ્નાતકથી લઈને પી.એચ.ડી. સુધીના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. આ ઉપરાંત, આયુર્વેદ ફાર્મસી અને યોગ-નેચરોપેથી માટે પણ વિશિષ્ટ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.

આ પદવિદાન સમારોહમાં એમ.ડી., એમ.એસ., એમ. ફાર્મ આયુર્વેદ, એમ.એસ.સી. મેડિસિનલ પ્લાન્ટ, અને ડિપ્લોમા આયુર્વેદ ફાર્મસી સહિતના વિવિધ અભ્યાસક્રમોના 234 વિદ્યાર્થીઓએ પદવી ગ્રહણ કરી. આ ઉપરાંત, શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર પાંચ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા, જ્યારે શ્રેષ્ઠ સંશોધન અને સંશોધન પ્રકાશન માટે બે વિદ્યાર્થીઓને વિશેષ મેડલ એનાયત થયા.

આ સમારોહ દરમિયાન ઇટ્રા અને સીએસઆઈઆર-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સ એન્ડ ટેક્નોલોજી, તિરુવનંતપુરમ, તેમજ ફાર્માકોપિયા કમિશન ફોર ઇન્ડિયન મેડિસિન એન્ડ હોમિઓપેથી, ગાઝિયાબાદ વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા. આ સહયોગ દ્વારા દવાઓ, લોકસ્વાસ્થ્ય અને નૂતન સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવશે.
કોરોનાકાળ પછી પરંપરાગત ચિકિત્સા પ્રત્યે લોકોની રૂચિ વધી છે. આયુર્વેદ ચિકિત્સા માનવ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી છે. આઇ.ટી.આર.એ. દ્વારા આયુર્વેદના વૈજ્ઞાનિક અભિગમ સાથે સંશોધન અને શિક્ષણને નવી ઊંચાઈઓએ પહોંચાડવામાં આવી રહ્યું છે.