વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથમાં દિવાળીના મીની વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, 17થી 24 ઓક્ટોબર દરમિયાન કુલ 4.38 લાખ ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. મંદિર પરિસરથી લઈને તટ વિસ્તાર સુધી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

પ્રવાસીઓના આ ભારે ધસારાને કારણે સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત સહિતના તમામ ગેસ્ટહાઉસ, હોટેલ અને પાર્કિંગ વિસ્તારો સંપૂર્ણપણે ભરાઈ ગયા હતા.
ટ્રસ્ટના બે હજાર વાહનોની ક્ષમતા ધરાવતા વિશાળ પાર્કિંગ સ્થળો પણ ભરાઈ ગયા હતા. આથી, વેણેશ્વર અને સદભાવના ગ્રાઉન્ડ ખાતે વધારાના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાવિકોને દર્શન દરમિયાન કોઈ અગવડતા ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર અને મંદિર ટ્રસ્ટની સિક્યુરિટી ટીમે સંકલિત રીતે દેખરેખ રાખી હતી.દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે, શ્રદ્ધાળુઓએ વિક્રમ સંવત 2082ના શુભારંભે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ સમયગાળા દરમિયાન સોમનાથ ધામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.

