નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ભીમાસર (અંજાર)થી ભુજ સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 341ના વિસ્તૃતિકરણની કામગીરી પૂર્ણતા ભણી છે.
નાગોર રેલવે ઓવરબ્રીજનું કામ હવે માત્ર રેલ્વે ટ્રેક પર ગર્ડર બેસાડવા પૂરતું રહ્યું છે.
આર.ઓ.બી.ની બાજુમાંથી નીકળતો સર્વિસ રોડ અનેક માટે મુશ્કેલરૂપ બનશે તેવું સ્થાનિક દુકાનદારો, ગોદામ માલિકો અને રહેવાસીઓ રોષ સાથે જણાવે છે.
નાગોર ફાટકથી જીઆઇડીસી સુધી ગત 2,જાન્યુઆરી 2024 ના રોજ અનધિકૃત બાંધકામો તોડી પડાયા હતા.
6.5 થી 12 મીટર સુધીની પહોળાઈનો સર્વિસ રોડ બનાવવા માટેની જમીન સંપાદન કરવામાં આવી, પરંતુ ત્યાંના ગોદામો અને દુકાનો જમીન રેકર્ડ કચેરીમાં નોંધણી બાબતે સ્પષ્ટતા ન થતા હજુ ખસેડવાની કાર્યવાહી નથી થઈ.

એપીએમસીની સામેની બાજુથી નીકળતો સર્વિસ રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા જે એજન્સીને કામ સોપાયું છે તેઓએ જમીનથી ચાર ફૂટ જેટલો ઊંચી બોક્સ કલવર્ટની કેનાલ બનાવતા ત્યાં અનેક ગોદામોના અને દુકાનોના શટર અડધા સુધી દટાઈ ગયા છે.
સ્વાભાવિક છે કે આ કેનાલની બાજુમાં એ જ ઊંચાઈએ સર્વિસ રોડ બને તો બાકીના વિસ્તારમાં વરસાદી પાણી કઈ રીતે નીકળે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં ગટરનું પાણી પણ ભરાતું હોય છે, ત્યારે કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવતી નેશનલ હાઈવે ઓથોરિટીની ડિઝાઇન બાબતે સ્થાનિકે રોષ વ્યકત કર્યો હતો.
નાગોર રેલવે ઓવરબ્રીજ નું કામ હવે ખાસ બાકી નથી ત્યારે સર્વિસ રોડની ડિઝાઇન બાબતે શું કરવું તે માટે સ્થાનિક વેપારીઓ એકઠા થઈને તંત્ર સુધી રજૂઆત કરવાની વિચારણામાં છે.
રેલવે ટ્રેક પર 47 મીટર ગર્ડર લગાવવા પ્રશાસને બ્લોક આપી દીધો
નાગોર રેલવે ઓવરબ્રિજ પર હવે જે કામ બાકી છે તે રેલવે ટ્રેક પર 47 મીટર લંબાઈનો ગર્ડર લગાવવાનું.
આ કામગીરી માટે અંદાજે ત્રણ દિવસ લાગે તે માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સતામંડળ દ્વારા રેલ્વે પ્રશાસન પાસે સમય માંગ્યો હતો તે બ્લોક ફાળવી દેવામાં આવ્યો છે.
હવે માત્ર રેલ્વે વિભાગના ઇજનેરો દ્વારા ઇન્સ્પેક્શન કરી તારીખ નક્કી કરવાની બાકી છે. જૂનના બીજા અઠવાડિયા સુધી થઈ જશે તેવી શક્યતા એજન્સીના ઇજનેરે વ્યક્ત કરી હતી.

