સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) પોલીસે નડિયાદ તાલુકાના સોડપુર ગામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે સોડપુર ગામના બળિયાદેવ મંદિર પાસેથી એક ટ્રક (GJ 24 X 5674)ને અટકાવી તપાસ કરી હતી. ટ્રકમાં લોખંડનું ચોરખાનું બનાવવામાં આવ્યું હતું.
જેમાંથી વિદેશી દારૂની 17,651 બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત રૂપિયા 41.45 લાખ છે. પોલીસે ટ્રક, બે મોબાઈલ ફોન અને લોખંડનું ચોરખાનું મળી કુલ રૂપિયા 57.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે ટ્રક ચાલક દેવરામ રાજુરામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન) અને રસ્તો બતાવનાર અલ્પેશ ગણપત સોઢા (રહે. પાલડી)ની ધરપકડ કરી છે. પૂછપરછમાં દારૂનો જથ્થો મંગાવનાર અરવિંદ ઉર્ફે જાફર અંદરસિંહ સોડા પરમાર, ટ્રક માલિક અને જથ્થો મોકલનાર હરિઓમ શેઠના નામ સામે આવ્યા છે. પોલીસે કુલ પાંચ લોકો સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે. SMCએ દરોડો પાડતા સ્થાનિક ચકલાસી પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે.

