બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલી ચુડમેર પ્રાથમિક શાળામાં ‘ગુજરાત શાળા સલામતી 2025’ અંતર્ગત એક મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં થરાદ ફાયર બ્રિગેડની ટીમે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓથી બચવા માટેની વ્યવહારિક તાલીમ આપી હતી.
થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આગ, પૂર અને ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ સામે કેવી રીતે સુરક્ષિત રહી શકાય તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે વિવિધ પ્રકારની આપત્તિઓ સામે લડવાની અને બચાવ કરવાની પદ્ધતિઓનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ આપ્યું હતું.
કાર્યક્રમમાં કુલ 412 લોકોની હાજરી નોંધાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓનો સમાવેશ થતો હતો. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા ફાયર બ્રિગેડની ટીમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત શાળા સલામતી સપ્તાહ 2025ના બીજા દિવસે યોજવામાં આવ્યો હતો.