Gujarat

જામનગરમાં રવિ સિઝન માટે 4200 ટન યુરિયા ઉપલબ્ધ

જામનગર જિલ્લામાં ચાલુ રવિ સિઝન માટે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લાના વિવિધ તાલુકા મથકો અને ગ્રામ્ય કક્ષાના વિક્રેતાઓ પાસે કુલ 4,200 મેટ્રિક ટન યુરિયાનો સંગ્રહ છે. ખેતીવાડી વિભાગ, જામનગરે ખેડૂતોને યુરિયાની અછત અંગેની અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર, જિલ્લાના છ તાલુકા કેન્દ્રો અને ગ્રામ્ય સહકારી મંડળીઓ ખાતે આ જથ્થો ઉપલબ્ધ છે. હાલમાં પાકની સારી પરિસ્થિતિને કારણે યુરિયા ખાતરની આવશ્યકતા છે, જેને પહોંચી વળવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

પુરવઠામાં વધારો કરવા માટે, ચાલુ અઠવાડિયામાં હાપા ખાતેના રેક પોઈન્ટ પર ઇફકો કંપની દ્વારા યુરિયા ખાતરની રેક આવી હતી, જેમાંથી જામનગર જિલ્લાને 1500 મેટ્રિક ટન યુરિયાનો પુરવઠો મળ્યો છે. આ ઉપરાંત, ક્રિભકો કંપની દ્વારા પણ 750 મેટ્રિક ટન યુરિયા ખાતરનો પુરવઠો ટૂંક સમયમાં પૂરો પાડવામાં આવશે. અન્ય ખાતર ઉત્પાદક કંપનીઓ દ્વારા પણ તમામ તાલુકાઓમાં નિયમિત સપ્લાય ચાલુ છે.

નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), જામનગરે સ્પષ્ટ કર્યું છે કે ઉપલબ્ધ જથ્થા અને આગામી પુરવઠાને ધ્યાનમાં લેતા જિલ્લામાં યુરિયા ખાતરની કોઈ અછત થવાની શક્યતા નથી. તેમણે ખેડૂતોને પોતાની જરૂરિયાત મુજબનો જથ્થો માન્ય રાસાયણિક ખાતરના વિક્રેતાઓ પાસેથી આધાર નંબર રજૂ કરીને અને પાકું બિલ મેળવીને જ ખરીદવા વિનંતી કરી છે.