વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફટી વિભાગ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની હોટલો, ચા-નાસ્તાની દુકાનો, તેમજ ખાણીપીણીની લારીઓ ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ચેકિંગ દરમિયાન અખાદ્ય જણાઇ આવેલા 44 કિલો બિરયાની, સમોસા, સમોસાનો માવો, સમોસાની ચટણી, બટાકા પૌવા અને પેપર પસ્તીનો નાશ કરાયો હતો. આ ઉપરાંત લાયસન્સ વગર ચાલતી 11 દુકાનો અને લારીઓ બંધ કરાવી હતી.
પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં સંભવિત ફાટી નિકળતો ઋતુજન્ય રોગચાળો અને આગામી આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા કોર્પોરેશનના આરોગ્ય અમલદાર ડો. મુકેશ વૈદ્યએ હોટલો, મિઠાઇ, ફરસાણ તેમજ ખાણીપીણીની લારી એસોસિએશન સાથે બેઠક કરી હતી.

જેમાં સ્વચ્છતા અને ગુણવત્તાયુક્ત ચિજવસ્તુઓનું વેચાણ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. દરમિયાન આજે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગની આજે બે ટીમો દ્વારા શહેરના ડભોઈ રોડ સોમા તળાવ પાસે હોટલ, રેસ્ટોરન્ટ, ચ્હા નાસ્તાની દુકાનો તેમજ ઇલોરાપાર્ક વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું.

