જીલ્લામાં આવેલ દશરથ ગામે રહેતા પાંચ લોકોને કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને દાંડિયાબજારમાં લકડીપુલ પાસે આવેલી વિનસ ટ્રાવેલ્સના સંચાલક સહિત ચાર આરોપીઓએ ૩૮.૭૦ લાખ પડાવી લીધા હતા. જે અંગે સી.આઇ.ડી.ક્રાઇમે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દશરથ ગામ પટેલ ફળિયામાં રહેતા ઋચિત રાજેશભાઇ પટેલે વડોદરા સી.આઇ. ડી.ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જુલાઇ -૨૦૨૦માં અમારા ફળિયામાં રહેતા ધવલ પ્રવિણભાઇ પટેલે મને કહ્યું કે, જાે તમારે કેનેડા વર્ક પરમિટનું કામ કરાવવું હોય તો અમારી ઓફિસ વિનસ ટ્રાવેલ્સ ( ઠે. શ્રી જલા એપાર્ટમેન્ટ, લકડી પુલ પાસે, દાંડિયાબજાર) ખાતે આવી જજાે. ત્યાં મારા પત્ની પિનાલીબેન તમને વિગતવાર માહિતી આપશે અને તમારૃં કેનેડાના વર્ક પરમિટનું કામકાજ કરી આપશે. જેથી, હું તેઓની ઓફિસે ગયો હતો. પિનાલીબેને ૧૧.૨૫ લાખનો ખર્ચ થશે. તેવું જણાવ્યું હતું. અમે તેમના કહેવા પ્રમાણે ૧૧.૨૫ લાખ ચૂકવી દીધા હતા. તેઓએ અમને એર ટિકિટ પણ આપી હતી. પરંતુ, તારીખ વીતી ગયેલ પાસપોર્ટ પર અમે કેનેડા જવાની ના પાડ દીધી હતી. તે પછી તેમના દ્વારા એક કાફેમાં મીટિંગ રાખી હતી.
જેમાં હું , અભિષેક જયેશભાઇ પટેલ , આકાશ નિતેશભાઇ પટેલ, કેતુલ રમેશભાઇ પટેલ તથા ટ્વીંકલબેન વિશ્વાસભાઇ પટેલ ( તમામ રહે. દશરથ ગામ) ગયા હતા. આ લોકોનું કેનેડાનું કામ પણ પિનાલીબેન મારફતે આપ્યું હતું. આ મીટિંગમાં પિનાલીબેન,ધવલભાઇ, અજય વિજયન નાયર (રહે. કિશન ગેલેક્સી, ભાયલી) તથા હિમાંશુ સુરેન્દ્રનાથ રાવ (રહે. ધ વેલેન્સીયા, ગોત્રી સેવાસી રોડ મૂળ રહે. યુ.પી.) આવ્યા હતા. તેઓના કહેવા મુજબ અમે અમદાવાદની હોસ્પિટલમાં મેડિકલ કરાવી તેના સર્ટિફિકેટ પિનાલીબેનને આપ્યા હતા. અમને તેઓના કામ પર શંકા જતા ઓનલાઇન ચેક કરતા વર્ષ -૨૦૨૨ માં અમારી વિઝા એપ્લિકેશન રદ્દ થઇ હોવાનું જાણવા મળ્યું હતું.
કેનેડાના વર્ક પરમિટ વિઝા માટે ફરિયાદીએ પહેલું પેમેન્ટ તા. ૧૨-૦૮-૨૦૨૦ ના રોજ પિનાલીબેનની ઓફિસે રોકડામાં કર્યું હતું. પાંચ વર્ષ સુધી ફરિયાદી તથા ગામના લોકોને આરોપીઓ છેતરતા રહ્યા હતા. છેવટે ગઇકાલે સી.આઇ.ડી. ક્રાઇમમાં ફરિયાદ દાખલ થઇ હતી.
આ મામલે વાત કરતા ફરિયાદીએ જણાવ્યું છે કે, એક વર્ષ સુધી વિઝા નહી આવતા અમે પિનાલીબેનને પૂછતા તેમણે એવો જવાબ આપ્યો હતો કે, હાલમાં કોરોનાનો સમય ચાલી રહ્યો હોઇ સમય લાગી રહ્યો છે. તમારૃં કામ ચાલુ છે. ટૂંક સમયમાં તમારા વિઝા મંજૂર થઇ જશે.
તેમજ આ બાબતે ફરિયાદીના કહેવા મુજબ, પિનાલીબેને જણાવ્યું હતું કે, તમારા પાંચેય લોકોનું વિઝાનું કામ અજય નાયરને સોંપ્યું છે. અજયે તમારી ફાઇલ હિમાંશુ સુરેન્દ્રનાથ રાવને સોંપી છે. પોલીસની તપાસ દરમિયાન એવી વિગતો બહાર આવી હતી કે, હિમાંશુ રાવે વિઝાનું કામ સુખવિન્દરસિંગ કુલવંતસિંગ ગુલાટી (રહે. નેતાજી નગર, હરિયાણા, પંજાબ) ને આપ્યું હતું.

