Gujarat

એક મહિના સુધી ચાલેલી શિબિરમાં 680 બાળકોએ 20 પ્રવૃત્તિઓમાં ભાગ લીધો

નડિયાદ બાલકન-જી-બારી ખાતે 34મી ગ્રીષ્મ શિબિરનું સમાપન થયું છે.

સંસ્થા પ્રમુખ દિનશા પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા સમાપન સમારોહમાં દાતા અમરિશ દેસાઈ અને ધર્મેશભાઈ એચ.શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

શિબિરમાં 680 બાળકોએ ભાગ લીધો હતો. એક મહિના સુધી ચાલેલી આ શિબિરમાં કોઈ અઘટિત ઘટના બની ન હતી.

બાળકોએ 20 જેટલી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. સમાપન સમારોહમાં બાળકોએ ત્રણ કલાક સુધી તેમની તાલીમની કૃતિઓ રજૂ કરી હતી.

સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. અરવિંદભાઈ વ્યાસે શિબિરની માહિતી આપી હતી.

ટ્રસ્ટી જૈમિનીકુમાર મહેતાએ જણાવ્યું કે આ શિબિર 34 વર્ષથી સતત ચાલી રહી છે અને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે છે.

શિબિરના ઈન્સ્ટ્રક્ટર્સે સંસ્થા પ્રમુખ દિનશા પટેલને સન્માનપત્ર આપ્યું હતું. સાથે જ સંસ્થાને બાળ પ્રવૃત્તિઓ માટે 10 હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવામાં મંત્રી હરિશકુમાર જાનીના માર્ગદર્શન હેઠળ પ્રજ્ઞેશ પટેલ, રમેશભાઈ શાહ, બેલા ભટ્ટ, નિપુલ પટેલ, દિપક વાઘેલા, સંજય સોઢા અને સુરેશ સોલંકીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, આમંત્રિત મહેમાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.