જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં માવઠાની આગાહીના કારણે મગફળીની આવક બંધ હોવા છતાં બીજા દિવસે પણ મગફળીના 70 જેટલા વાહનોની યાર્ડની બહાર કતાર લાગી ગઈ છે. તો સોમવારે આવેલી મગફળીના 50 વાહનોની મગફળી યાર્ડમાં ઠાલવતા 11,996 મણ (6855 ગુણી)ની આવક થઈ હતી.
જેમાં મુર્હુતના સોદામાં મગફળીના 800થી 1605 સુધીના ભાવે સોદા થયા હતા. જેમાં 66 નંબરની મગફળીના ભાવ ઉંચા રહ્યા હતા. જેમાં 326 ગુણી મગફળીનું વેચાણ બાકી રહી ગયું છે.
દિવાળીના તહેવાર બાદ સોમવારથી યાર્ડ શરુ થયા છે. યાર્ડ શરુ થતાં જ માવઠાના કારણે યાર્ડમાં જગ્યાના અભાવે મગફળીની આવક બંધ રાખવામાં આવી હતી. તેમ છતાં પહેલા દિવસે સોમવારે જ મગફળીની ભરેલા વાહનોની કતારો લાગી જતાં યાર્ડ દ્વારા એક ડોમ ખાલી કરાવીને 50 જેટલા વાહનોની આજે મંગળવારે સવારમાં ઉતારી હતી. જેમાં 6855 ગુણી (11996 મણ)ની આવક થઈ હતી.
મગફળીના મુર્હુતના સોદા પડતા જીણી મગફળીના 1000 થી 1100 સુધી તેમજ જાડી મગફળીના રુ.800થી 1000 તેમજ 66 નંબર મગફળીના રુ.900 થી 1605 સુધીના ભાવે સોદા થયા હતા. તેમ છતાં 329 ગુણી મગફળીના સોદા ન પડતા પેન્ડીંગ રાખવામાં આવી છે.
તો બીજી બાજુ ફરી મગફળીની આવક શરુ થઈ જતાં હાપા યાર્ડની બહાર 70થી વધુ વાહનોની કતાર લાગી ગઈ છે. જેથી યાર્ડમાં જગ્યાના હિસાબે વાહનોને પ્રવેશ માટેના ટોકન આપવામાં આવશે. હાલ તો મગફળીના ભાવમાં ઘટાડો જોવા મળતા ખેડુતોને પડ્યા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે.

