વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત નિયંત્રિત બજાર સંઘના 75 વર્ષની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. કૃષિમંત્રીએ રાજ્યના એપીએમસી માર્કેટયાર્ડને સરકાર તરફથી તમામ સહાય આપવાની ખાતરી આપી. તેમણે એપીએમસીના ચેરમેનોને આત્મનિર્ભર માર્કેટયાર્ડ બનાવવા અપીલ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકારથી સમૃદ્ધિની પરિકલ્પના સાકાર કરવા જણાવ્યું. મંત્રીએ સુરત એપીએમસી માર્કેટયાર્ડની કામગીરીને વિશેષ બિરદાવી.

કાર્યક્રમમાં ખેડૂતોને ‘એગ્રી મીડિયા’ એપ્લિકેશનની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું. મંત્રીએ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી સર્વમંગલની પ્રાર્થના કરી. કાર્યક્રમમાં મંદિરના સ્વામી વલ્લભદાસ, નૌતમપ્રકાશદાસજી, સહકારી ક્ષેત્રના કન્વીનર બીપીનભાઈ પટેલ, એપીએમસી બોર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ સહિત અમૂલ ડેરી, કેડીસીસી બેંકના પદાધિકારીઓ અને વિવિધ જિલ્લા સહકારી સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.




