ખેડા જિલ્લામાં 22 જૂને યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ 25 જૂને જાહેર થશે. જિલ્લામાં કુલ 99 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી.
આમાં 84 સામાન્ય અને 15 પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે.
મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું. સામાન્ય ચૂંટણીમાં 79.58 ટકા અને પેટા ચૂંટણીમાં 66.85 ટકા મતદાન નોંધાયું છે.
સરપંચ અને સભ્ય પદ માટે કુલ 894 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
મતગણતરી 25 જૂને સવારે 9 વાગ્યાથી જિલ્લાના 10 તાલુકા મથકો પર શરૂ થશે. નડિયાદમાં સી.એમ.પટેલ હાઈસ્કૂલ, માતરમાં એન.સી.પરીખ હાઈસ્કૂલ અને ખેડામાં એચ.એન્ડ.ડી. પારેખ હાઈસ્કૂલ ખાતે મતગણતરી થશે.
મહેમદાવાદમાં શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલ, મહુધામાં સ્વયંપ્રભા શાહ હાઈસ્કૂલ અને કઠલાલમાં શેઠ એમ.આર.હાઈસ્કૂલમાં મતગણતરી હાથ ધરાશે.
કપડવંજમાં શેઠ એમ.પી.હાઈસ્કૂલ, ઠાસરામાં ધી.જે.એમ.દેસાઈ હાઈસ્કૂલ, ગળતેશ્વરમાં ધી મોર્ડન ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ-સેવાલીયા અને વસોમાં એ.જે.હાઈસ્કૂલના ચિત્ર વર્ગમાં મતગણતરી કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે.
700 કરતાં વધુ કર્મચારી મત ગણતરીમાં સામેલ
ખેડા જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી બુધવારના રોજ તારીખ 25મી એ સવારે 9:00 કલાકે 10 ઠેકાણે થનાર છે તેમાં 700થી વધુ કર્મચારીઓ સામેલ કરવામાં આવ્યા છે.
લગભગ 81 ટેબલો ગોઠવવામાં આવશે જે તાલુકામાં ઓછી ગ્રામ પંચાયતની ચૂંટણી હતી. તે ગ્રામ પંચાયતમાં ટેબલની સંખ્યા ઓછી હશે અને જ્યાં વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી હશે ત્યાં વધુ ટેબલ ફાળવવામાં આવ્યા છે જેને લઈને મત ગણતરી ઝડપી બનશે.
આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષકની દોરવણી હેઠળ પોલીસ સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે.