Gujarat

રાત્રે રોડ પરના બમ્પને કારણે બુલેટ સ્લીપ થતાં 20 વર્ષીય યુવકનું મોત

બનાસકાંઠા જિલ્લાના ડીસા-રાણપુર રોડ પર એક દુર્ઘટના સામે આવી છે. દાંતીવાડા તાલુકાના ગોઢ ગામના 20 વર્ષીય અમિત પ્રવીણભાઈ ઠાકોર બુલેટ પર સવાર હતા. રાત્રીના સમયે રોડ પર નવનિર્મિત રિફ્રેશ રોડમાં બનાવેલો બમ્પ સ્પષ્ટ દેખાતો ન હતો.

અમિતનું બુલેટ જમ્પ પરથી પસાર થતી વખતે અચાનક સ્લીપ થયું. આ અકસ્માતમાં તેઓ રોડ પર પટકાયા અને ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ દુર્ઘટનાથી ગોઢ ગામ અને ઠાકોર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

રાત્રિના સમયે રોડ પરના જમ્પ અને અન્ય અવરોધો સ્પષ્ટ ન દેખાવાને કારણે થતા અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.