Gujarat

ખેતરમાંથી પરત ફરતા 28 વર્ષીય યુવકનું કેનાલમાં મોત

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગુણેલી ગામમાં એક અકસ્માત સામે આવ્યો છે. ગુણેલી ગામના સુખાભાઈ પ્રભાતભાઈ બારીઆ (28) પોતાના ખેતરમાં દરૂ નાખવા ગયા હતા. ઘરે પરત ફરતી વખતે તેમના ઘરની પાછળ આવેલી કેનાલમાં ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું.

સ્થાનિક લોકોએ સુખાભાઈને ટ્રેક્ટર નીચેથી બહાર કાઢ્યા હતા. છાતીનો ભાગ દબાઈ જવાથી ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. અકસ્માતમાં સંકળાયેલું વાહન લાલ રંગનું ટ્રેક-સ્ટાર કંપનીનું નવું ટ્રેક્ટર હતું. ટ્રેક્ટરનો રજિસ્ટ્રેશન નંબર નોંધાયેલો ન હતો. તેનો એન્જીન નંબર EJ0105 અને ચેસિસ નંબર F 02539 છે.

મૃતકના કાકા ફુલાભાઈ મંગળભાઈ બારીઆએ શહેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શહેરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.