આંકોલવાડી ગીર અને સુરત વચ્ચે નવી એસ.ટી. વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાથી તાલાલા આસપાસના 15 ગામના હજારો પરિવારોને લાભ થશે. આ ગામોના લોકો સુરત, વરાછા, કાપોદ્રા, સરથાણા, વેડ રોડ અને કતારગામ વિસ્તારોમાં વસવાટ કરે છે.

વોલ્વો બસ આંકોલવાડી ગીરથી સાંજે 5:00 વાગ્યે ઉપડશે અને વહેલી સવારે સુરત પહોંચશે. સુરતથી સાંજે 7:00 વાગ્યે પ્રસ્થાન કરી સવારે 8:00 વાગ્યે આંકોલવાડી ગીર પહોંચશે. બસ રૂટમાં તાલાલા, સાસણ ગીર, જુનાગઢ, રાજકોટ, ચોટીલા, બરોડા અને ભરૂચનો સમાવેશ થાય છે. મુસાફરી માટેનું ભાડું રૂ.1710 નક્કી કરવામાં આવ્યું છે.

ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછડીએ બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ બસમાં 47 મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકશે. અગાઉ આ રૂટ પર 15 જેટલી ખાનગી બસો દોડતી હતી.
આંકોલવાડી ખાતેના નવનિર્મિત બસ સ્ટેન્ડમાં આ પ્રસંગે 15 ગામના અગ્રણીઓ અને સરપંચો હાજર રહ્યા હતા. બસ સ્ટેન્ડના વિશાળ પરિસરમાં ધારાસભ્ય અને વિવિધ ગામના પ્રતિનિધિઓએ વૃક્ષારોપણ કર્યું. એસ.ટી. સ્ટાફે આ વૃક્ષોની જાળવણીનો સંકલ્પ લીધો છે.

