પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગર પર ચોમાસાની મોસમમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ગોધરાથી 54 કિલોમીટર દૂર આવેલા આ સ્થળે મેઘરાજાની મહેરથી લીલીછમ વનરાજી અને નયનરમ્ય દૃશ્યો સર્જાયા છે.
પાવાગઢ મહાકાળી માતાના મંદિર માટે પ્રખ્યાત છે. દેશની 51 શક્તિપીઠ પૈકી એક અહીં સ્થિત છે. વરસાદના કારણે મંદિરના પગથિયા પરથી વહેતું પાણી નદી જેવો આભાસ ઊભો કરે છે.

ગરુડ પુરાણ મુજબ ઋષિ વિશ્વામિત્રે આ વિસ્તારમાં તપસ્યા કરી હતી. તેમના તપોબળથી ડુંગરની ટોચે કાલિકા માતાની સ્થાપના થઈ. અહીંથી નીકળતી નદી ‘વિશ્વામિત્રી નદી’ તરીકે ઓળખાય છે પાવાગઢ ડુંગર પર હિંદુ અને જૈન ધર્મના પવિત્ર સ્થાનકો આવેલા છે.
વાદળોથી ઘેરાયેલું નિજમંદિર પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. ઊંચાઈએથી વહેતો ધોધ અને મેઘધનુષની રંગછટા વાતાવરણને રમણીય બનાવે છે. આ નયનરમ્ય દૃશ્યો માણવા ગામેગામથી પ્રવાસીઓ આવી રહ્યા છે.