ધોળકા માં રહેતા શખ્સે 100 નંબર ડાયલ કરી તેનો દુર ઉપયોગ કરી પોતાની સાથે લુટ થયેલ છે તેવું તરકટ રચી ખોટી માહીતી આપી પોલીસને દોડતી કરી હતી. અંતે યુવકે ઓનલાઇન જુગારમાં પોતે રૂ.1.50 લાખ હારી જતાં લૂંટનું તરકટ રચ્યું હોવાનું કબુલ્યું હતું. આથી ધોળકા પોલીસે લૂંટ જેવા ગંભીર ગુનાની ખોટી માહીતી પોલીસને આપેલ ઈસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ જીગરભાઇ દેવશીભાઇ ભાનુશાળી ઉંમર 27 વર્ષ (રહે. દેવાધી સોસાયટી, માતર રોડ, ખેડા હાલ રહે. દેવ વિશ્વા સોસાયટી તાલુકો ધોળકા જિ.અમદાવાદ ) નાઓએ પોતાની સાથે લૂંટ થયાનું જણાવ્યું હતું.
પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્ય તથા મે.નાયબ પોલીસ અધીક્ષક ધોળકા વિભાગ ધોળકાનાઓ તરફથી ડાયલ 100 નંબર કરવા વાળા ભોગબનનાર પાસે તાત્કાલીક પહોચી પોલીસ મદદ આપવા સૂચના આપેલ. જે અનુસંધાને ધોળકા ટાઉન જે.ડી.ડાંગરવાલા ટીમ સાથે પહોંચી તપાસ હાથ ધરી હતી.
પ્રકાશ પ્રજાપતિ નાયબ પોલીસ અધિક્ષક અને જીલ્લાની એલસીબી ની ટીમ પણ આવી ગઈ હતી અને ઈસમ જીગરભાઇ દેવશીભાઇ ભાનુશાળીને મળી 100 ડાયલ કરવા બાબતે પુછતા તેઓએ જણાવેલ કે, હું ધોળકા વટામણ ત્રણ રસ્તાએ ભગીરથ કોમ્પ્લેક્ષમાં આવેલ મારી પોતાની દુકાનથી 1,50,000 મારા ખીસ્સામા મુકી મારૂ બુલેટ લઇ ઘરે જવા નીકળ્યો હતો અને દેવ વિશ્વા સોસાયટી સામે રોડેથી આવતા મારી પાછળ એક સ્વીફ્ટ ગાડી સફેદ કલરની આવેલ અને મારી ઓવરટેક કરી મને ઉભો રાખી સ્વીફ્ટ ગાડીમાંથી ત્રણ અજાણ્યા ઇસમો ઉતરેલ અને બે જણાએ મને પકડી રાખી એક જણાએ મારા ખીસ્સામા હાથ નાખી ખીસ્સામાં રહેલ 1,50,000 કાઢી લીધેલા જેથી મે તેમને પકડવા જતા એક ઇસમે છરી મારી દીધી હોવાનું જણાવેલ. આ વખતે જીગરભાઇના પિતા દેવશીભાઇ પણ આવી ગયેલ. શંકા જતાં યુવકે કબુલ્યું હતું કે ઓનલાઇન જુગારમાં રૂ.દોઢ લાખ હારી ગયેલ છે. પીએસઆઇ એ.એલ.રાજપુત દ્રારા બી.એન.એસ.કલમ-212 મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.