જામનગરમાં રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી તથા જિલ્લાના પ્રભારીમંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘હર ઘર સ્વદેશી’, ‘ઘર-ઘર સ્વદેશી’ અભિયાન અને ‘ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો
નવા બનેલા ફ્લાયઓવર બ્રિજ પર યોજાયેલી આ મેરેથોનમાં મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં જામનગરવાસીઓ ઉત્સાહભેર સહભાગી થયા હતા. ઓશવાળ ઇંગ્લીશ એકેડમી ખાતેથી મંત્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગઓફ કરીને દોડનો પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “મેરેથોન માત્ર દોડ નથી, તે સંકલ્પ, શિસ્ત અને સ્વસ્થ જીવન તરફનું પગલું છે.” તેમણે ઉમેર્યું કે, આજના યુગમાં અસ્વસ્થ જીવનશૈલી અને તણાવ વધી રહ્યા છે, ત્યારે આવા કાર્યક્રમો સ્વાસ્થ્યનું મહત્વ સમજાવે છે. સ્વસ્થ નાગરિકો જ સ્વસ્થ અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા પણ રમતગમત, આરોગ્ય અને તંદુરસ્તી માટેની યોજનાઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે. જનજાગૃતિ અને સ્વસ્થ જીવન માટે સરકાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને મેદસ્વીતા મુક્ત ભારત અને ફીટ ઇન્ડિયા અભિયાન શરૂ કરાવ્યું છે.

મેરેથોનનો રૂટ ઓશવાળ ઇંગ્લીશ એકેડમીથી શરૂ થઈ ઇન્દિરા માર્ગ, સાત રસ્તા, નવા ફ્લાયઓવર બ્રિજ, ગુરુદ્વારા જંકશન, નાગનાથ જંકશન થઈ યુટર્ન લઈને પરત ઓશવાળ ઇંગ્લીશ એકેડમી ખાતે પૂર્ણ થયો હતો. આ દોડમાં યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત વિશાળ સંખ્યામાં જામનગરવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, આગામી ૧૪ ડિસેમ્બરના રોજ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે સાયક્લોથોન ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેરેથોન અને સાયક્લોથોનમાં ભાગ લેનાર સ્પર્ધકો માટે ડ્રોનું આયોજન કરાયું છે, જેમાં વિજેતાઓને સાયકલ ઇનામ તરીકે આપવામાં આવશે.

આ દોડમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, અગ્રણી બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેશભાઈ કગથરા, શાસકપક્ષના નેતા આશિષભાઈ જોશી, એ.એસ.પી. પ્રતિભા, પ્રાંત અધિકારીઓ અને અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

