કાણકીયા કોલેજ સાવરકુંડલા ખાતે “કારગીલ વિજય દિવસ” ની ઉજવણી તથા સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શનનો એક સેમિનાર યોજાયો.
સાવરકુંડલા સ્થિત નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી. ડી કાણકિયા આર્ટસ અને શ્રી એમ.આર સંઘવી કોમર્સ કોલેજ ખાતે આજરોજ તારીખ 26 જુલાઈ 2025 શનિવારના રોજ ‘કારગીલ વિજય દિવસ” ની એક વિશેષ ઉજવણી કરવામાં આવી. ૨૬ જુલાઈ ૧૯૯૯ ના દિવસે
આશરે ૯૦ દિવસ સુધી યુદ્ધ કરીને ભારતીય સેનાએ કારગિલ પર પુનઃ કબજો મેળવ્યો હતો. જેની યાદગીરી અને શહીદી વહોરનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા અર્થે આ દિવસ મનાવવામાં આવે છે. જેનું સાવરકુંડલા સ્થિત કાણકીયા કોલેજ ખાતે ખુબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસ ને ઉજવણી માં કાણકીયા કોલેજના અધ્યાપકશ્રી હૈદરખાન પઠાણ દ્વારા ppt ની રજૂઆત સાથે કારગિલ વિજય દિવસ અંગે ખુબ સરસ માર્ગદર્શન વિધાર્થી ભાઈઓ-બહેનો ને આપવામાં આવ્યું હતું. ભારતને આ ઐતિહાસિક વિજય કેવી રીતે મળ્યો અને ભારતીય સેનાના જવાનોની કુરબાની જેવી તમામ બાબતો વિશે દેશભક્તિ થી તરબોળ એવા વકતવ્યથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે કોલેજના આચાર્ય ડૉ. એસ.સી. રવિયાસાહેબે પણ ‘કારગિલ વિજય દિવસ’ સંદર્ભે ભારતના ઐતિહાસિક વિજયને યાદ કરી અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ વિષય સંદર્ભે એક દસ્તાવેજી વિડીયો પણ દર્શાવવામાં આવ્યો હતો. કોમ્પ્યુટર ફેકલ્ટી જીજ્ઞેશભાઈ મહેતાએ પ્રોજેક્ટર વગેરેની ટેકનીકલ સાધનો માટે જહેમત ઉઠાવી હતી.
તેમજ રાજકોટ થી ખાસ પધારેલા “નવયુગ એજ્યુકેશનલ ટ્રસ્ટ”ના સંચાલક શ્રી ભાવિનભાઈ માંકડ અને શ્રી સલીમભાઈ એ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કેવી રીતે કરવી અને વાંચનની કઈ પદ્ધતિથી સફળતા મળી શકે તેવી અનેક બાબતો ઉદાહરણ સહિત દર્શાવીને વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કર્યું હતું. અને જે વિદ્યાર્થીઓના જીવનનો ધ્યેય આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી અને કોઈ હોદ્દા ઉપર નોકરી મેળવવાનું હોય તો તેઓ આ બંને સંચાલકોનો ગમે ત્યારે સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકે છે.
આ તકે ગ્રામ્ય વિસ્તારના કોલેજના વિદ્યાર્થીઓને અત્યંત મહત્વની અને ઉપયોગી એવી માહિતી આપવા બદલ કોલેજના પ્રિન્સિપાલ શ્રી રવિયા સાહેબે પણ પધારેલ મહેમાનો પરત્વે પોતાની કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી અને આશા વ્યક્ત કરી કે કાણકીયા કોલેજના વિદ્યાર્થીઓ સરકારી, અર્ધસરકારી કે બેન્કિંગ વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ હોદ્દા ઉપર નોકરી પ્રાપ્ત કરે તેવા શુભાશિષ પાઠવ્યા હતા.એમ રવિભાઈ જોષી ની એક યાદી માં જણાવેલ છે.



