Gujarat

જામનગરની ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલના માનસિક રોગ ચિકિત્સા વિભાગ દ્વારા શહેરમાં વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું

જામનગરની ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલના માનસિક રોગ ચિકિત્સા વિભાગ દ્વારા શહેરમાં વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જામનગરના વિવિધ સાર્વજનિક સ્થળોએ લોકોને માનસિક રોગ, તેના ઉપચાર, નશા મુક્તિ અને ટેલીમાનસ હેલ્પલાઇન અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

ડૉ. દીપક તિવારી, તબીબી અધિક્ષક અને માનસિક રોગ ચિકિત્સા વિભાગના વડાના માર્ગદર્શન હેઠળ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

લાખોટા તળાવની પાળ ખાતે ડૉ. આનંદ ભોજાણીની આગેવાનીમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ડિસ્ટ્રિક્ટ કન્વીનર ડૉ. પટેલની આગેવાનીમાં પણ આવો કાર્યક્રમ યોજાયો હતો.

આ અભિયાનમાં માનસિક રોગ ચિકિત્સા વિભાગના તબીબો, ઇન્ટર્ન ડોકટરો, નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અને એડિક્શન ટ્રીટમેન્ટ ફેસિલિટીના કર્મચારીઓએ ભાગ લીધો હતો. તેમણે લોકોને માનસિક રોગના લક્ષણો અને ઉપચાર પદ્ધતિઓ વિશે માહિતી આપી હતી.

આ ઉપરાંત નશાબંધીના ફાયદા અને વ્યસનમુક્તિ માટે ઉપલબ્ધ સુવિધાઓ વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. જેથી જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોસ્પિટલમાં વહેલી તકે નિદાન અને સારવાર કરાવી શકે.

આ પ્રયાસના ભાગરૂપે, આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવતી ટેલીમાનસ હેલ્પલાઇન વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

આ હેલ્પલાઇન માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ માટે તાત્કાલિક સલાહ અને સહાય પૂરી પાડે છે. જાગૃતિ ફેલાવવા માટે મોટા પાયે પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.