પંચમહાલ જિલ્લામાં ખેલ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ખેલ મહાકુંભ-2025 અંતર્ગત જિલ્લા કક્ષાની બે દિવસીય સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ગોધરાના કનેલાવ સ્થિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોજાઈ હતી.
બે દિવસીય તરણ સ્પર્ધાના પ્રથમ દિવસે ભાઈઓ માટે વિવિધ કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાઈ હતી. આજરોજ બહેનો માટે વયજૂથ પ્રમાણે સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. ખેલાડીઓએ આ સ્પર્ધામાં પોતાનું શ્રેષ્ઠ તરણ કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દૂધાત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને પોતે પણ સ્પર્ધામાં ભાગ લઈને અન્ય સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.

વિવિધ વય જૂથ મુજબ યોજાયેલી તમામ કેટેગરીની તરણ સ્પર્ધાઓમાં બાળકો, કિશોરો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધા પૂર્ણ થયા બાદ દરેક કેટેગરીના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી.
આ વિજેતા ખેલાડીઓ હવે આગામી રાજ્ય સ્તરની સ્પર્ધાઓમાં પંચમહાલ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગોધરાની જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિવિધ ગામો અને વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

