જુનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા ‘જનજાતિય સંસ્કૃતિ, વારસો અને સ્વદેશી પ્રથાઓ’ વિષયે બે દિવસીય સેમિનારનો પ્રારંભ થયો
રાષ્ટ્રીય સેમિનારમાં સમાજશાસ્ત્રીઓ અને શોધસ્કોલર્સનાં સંશોધિત પેપર દ્વારા વૈચારિક મંથનનાં નિશ્યંદન પરિપાક સ્વરૂપ ગુજરાતનાં વણખેડાયેલા અનેક વિકાસબીંદુઓની પથ રેખાઓ તૈયાર થશે. – પ્રો. (ડો.) પ્રતાપસિંહ ચૈાહાણ, કૂલપતિ
જૂનાગઢ તા. ૧૯, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં સમાજશાસ્ત્ર અને સામાજિક કાર્ય વિભાગ દ્વારા અને ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદ, નવી દિલ્હીના સહયોગથી જનજાતિય ગૌરવ (આદિવાસી ગૌરવ) સેમિનાર ‘જનજાતિય સંસ્કૃતિ, વારસો અને સ્વદેશી પ્રથાઓ’ વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનો આજથી કામધેનું યુનિ.નાં વેટેરનરી કોલેજનાં મધ્યસ્થ ખંડમાં વિધીવત પ્રારંભ થયો છે.
ઉદઘાટન સત્રનાં અધ્યક્ષપ્રો.(ડો.) પ્રતાપસિંહ ચૈાહાણ, મહારાષ્ટ્રનાં કોલ્હાપુર યુનિ.નાં સમાજશાસ્ત્ર વિભાગનાં વડા પ્રો.(ડો.) જગન કરાડે, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિ. ભાવનગરનાં પુર્વ કુલગુરૂ પ્રો. (ડો.) વિદ્યુત જોષી, બીરછામુંડા ટ્રાયબલ યુનિ.નાં કૂલપતિ પ્રો.(ડો.) મધુકર પાડવી, હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.-પાટણનાં પુર્વ કુલપતિ પ્રો.(ડો.) હેમાક્ષીબેન રાઓ સહિત મહાનુભાવોએ સેમિનારને દિપપ્રાગટ્યથી ખુલ્લો મુક્યો હતો.
કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાનેથી ઉપસ્થિતોને સંબોધતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કૂલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહ ચૈાહાણે જણાવ્યુ હતુ કે ગરવી ગુજરાત પોતાની આગવી ઓળખ ધરાવતા ભક્તકવિ નરસિંહ મહેતા અને ભગવાન બિરછામુંડાની તપોભુમિ છે. ગુજરાતની ધરતી એટલે મેરૂ, મરૂ અને મહેરામણનું સૌંદર્યપાન કરાવતી ધરા, ગુજરાતની ભૂમિ પર એકસાથે કૃષિ સંસ્કૃતિ, ગોપ સંસ્કૃતિ, સાગર સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ દ્રષ્ટિગોચર થાય છે. કુદરતના ખોળે વસનારી આદિવાસી પ્રજાના ઉત્સવો, તહેવારો, રીતિ-રિવાજ, પહેરવેશ તેમજ કલાઓ અનેક પ્રકારે અનુપમ અને અદભુત છે. પ્રાગૈતિહાસિક યુગથી એક વિશેષ સભ્યતા ધરાવતા અને વેદો, મહાભારત તેમજ પુરાણોમાં નિષાદ કે પુલિંદ તરીકે ઓળખાતા ભીલ આદિવાસીઓની ઉપજાતિઓ દેશના જુદા જુદા પ્રદેશમાં વસેલી છે. ગુજરાતમાં ઉત્તરે અરવલ્લી પહાડની હારમાળાઓમાં, પૂર્વમાં સાતપુડા અને વિધ્યું પહાડની તળેટીઓ પર તેમજ દક્ષિણમાં સહહ્યાદ્રિની પર્વત શ્રેણીમાં આદિવાસીઓ ૨૫ સમુદાયમાં તેમનું ખમીરવંતુ જીવન જીવી રહ્યાં છે. ખડતલ શરીર, મધ્યમ કદ, ખુશમિજાજી અને વિનોદી સ્વભાવ, સરળતા, સ્વાંતત્ર્ય અને સત્યપ્રિયતા જેવા ગુણો ધરાવતા આદિવાસીઓના સર્વાગીણ વિકાસ માટે સરકારે વન અધિકાર અધિનિયમ જેવા અનેક પગલાંઓ દ્વારા તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટેના સફળ પ્રયાસો કર્યા છે. જેના સુફળ પણ પ્રાપ્ત થયા છે. એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ જેવા અનેક શેક્ષણિક આયામો દ્વારા આજે આદિવાસીઓના મેધાવી બાળકો ઉચ્ચ ગુણવત્તાવાળી શૈક્ષણિક સુવિધા પ્રાપ્ત કરી પોતાની શૈક્ષણીક કારકિર્દીને નિખારી રહ્યા છે.ત્યારે આજે યુનિ.નાં સમાજશાસ્ત્રભવન દ્વારા જનજાતિય ગૌરવ સેમિનાર ‘જનજાતિય સંસ્કૃતિ, વારસો અને સ્વદેશી પ્રથાઓ’ વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારમાં સમાજશાસ્ત્રીઓ અને શોધસ્કોલર્સનાં સંશોધીત પેપર દ્વારા વૈચારિક મંથનનાં નિશ્યંદન પરિપાક સ્વરૂપ ગુજરાતનાં વણખેડાયેલા અનેક વિકાસબીંદુઓની પથ રેખાઓ તૈયાર થશે. આ તકે કુલપતિશ્રી પ્રો. ચૈાહાણે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કૂલપતિ પદે આરૂઢ થયાનાં બરાબર એક માસ બાદ આ રાષ્ટ્રીય સેમિનારમાં ઉપસ્થિતોને યુનિ.નાં નિર્માણાધિન ભવન અને શૈક્ષણીક પ્રકલ્પોમાં નવી ઉંચાઇ સર કરવા નેમ વ્યક્ત કરી યુનિ.નાં શૈક્ષણીક અને માળખાગત બાબતોનો પરિચય કરાવ્યો હતો.
આ પ્રસંગે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ. ભાવનગરનાં પુર્વ કુલગુરૂ પ્રો. (ડો.) વિદ્યુત જોષીએ જનજાતિય સંસ્કૃતિનો પરિચય કરાવતા જણાવ્યુ હતુ કે જેનાથી જીવન બન્યું છે, એ જીવન રચવાવાળા પ્રાકૃતિક તત્ત્વો-પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશનું ગૌરવ કરવું અને તેમના તરફ કૃતજ્ઞતા અને પૂજ્યભાવ દાખવવો એ ભીલ આદિવાસી નિસર્ગ સમાજનું જીવદર્શન-ધર્મદર્શન છે. વર્ષના ઋતુચક્ર અને જીવનચક્ર પ્રમાણે આવતા પર્વ-પ્રસંગે આ દેવી-દેવતાઓ પર ગાઢ આસ્થાને લીધે તેમને ઉપાસવા માટે અનેક ધાર્મિક અનુષ્ઠાનો, વિધિ-વિધાનો, નૃત્યો ગીતો, મંત્રો, પુરાકથાઓ, આખ્યાનો અને મહાકાવ્યો પ્રાદુભૂત પામ્યાં છે અને તેમને પ્રભાવી બનાવવા અનેક વાદ્યોનો જન્મ થયો છે. આથી આદિવાસીઓના આ નૃત્ય, નાટ્ય, સંગીત, ગીત, પુરાકથા, લોકમહાક્વોયના સાંસ્કૃતિક લલિતકલા વૈભવનાં દર્શન પર્વ-પ્રસંગે જ થઈ શકે, અને આવાં સ્વરૂપો ઉત્સવના વાતાવણમાં જ કલામરૂપ ધરે છે. આથી લલિત સાંસ્કૃતિક વૈભવ ધાર્મિક-સામાજિક ઉત્સવોના વાતાવરણમાં જે સ્થળે અને સમયે કલામરૂપ ધારણ કરે છે,
મહારાષ્ટ્રનાં કોલ્હાપુર યુનિ.નાં સમાજશાસ્ત્ર વિભાગનાં વડા પ્રો.(ડો.) જગન કરાડેએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે ભક્તકવિ નરસિંહ મહેતાની વૈષ્ણવ જન તો તેને રે કહીએ .. રચનાને ખરા અર્થમાં ચરિતાર્થ કરતી અને બીરછામુંડાની તપોભુમિનાં ખમીરને ઉજાગર કરતી ગુર્જરધરાનાં પ્રદેશમાં જનજાતિય સંસ્કૃતિવારસો અને સ્વદેશી પ્રથાઓ પર આયોજીત આ સેમિનાર સાચા અર્થમાં સાર્થક છે. ભારતવર્ષનાં જનજાતિ પરિવારો જળ આપતા મેઘને ઈન્દ્ર (અઁદર) ગણી ઉપાસવો, ફળ, ફૂલ એ ઘાસચારો આપતા અને ઋતુ પ્રમાણે અનેક રૂપ ધરતા પહાડને દેવ ગણી પ્રકૃતિના રૌદ્રરૂપ વંટોળને અનાજનો રક્ષકદેવ ‘રખી’ ગણવો અને તેની પૂજા કરનાર પ્રકૃતિનાં સંતાનો છે. ડો. જલ જંગલ અને જમીનનાં રખેવાળોની ૧૮૨૯થી વિવિધસમયે ભારતવર્ષ પર આવેલ આફતોમાં વિદ્રોહની આલબેલની વિસ્તૃત છણાવટ કરી હતી.
હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.-પાટણનાં પુર્વ કુલપતિ પ્રો.(ડો.) હેમાક્ષીબેન રાઓએ પોતાનાં અભ્યાસકાળનાં સ્મરણોને ટાંકીને સમાજશાસ્ત્ર વિભાગો દ્વારા થયેલ સંશોધનોની વાત કરી દ્રિતિય સત્રમાં ડો. મધુકર પાડવી અને એમ. એસ. યુનિ.નાં સમાજશાસ્ત્ર વિભાગનાં વડા ડો. વીરેન્દ્રસિંહ તથા કર્ણાટકનાં સરકારી ગ્રેડ કોલેજનાં ડો. રમેશ માંગલેકરનો પરિચય કરાવી સેમિનારનાં અપ્રસ્તુત અંશો પર વાત કરી વર્ષના ઋતુચક્ર અને જીવનચક્ર સંલગ્ન આ ઉત્સવો બે વિભાગમાં વહેંચી ધાર્મિક ઉત્સવો અને સામાજિક ઉત્સવો,આદિવાસીઓની જીવનઊર્જા અને આંતરિક સત્ત્વ સાથે પ્રગટતાં નૃત્ય, નાટ્ય, સંગીત, કથાના વૈભવનાં દર્શનની વાત કરી હતી. .
કાર્યક્રમનાં પ્રારંભે ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.નાં સમાજશાસ્ત્રભવનનાં વડા પ્રો.(ડો.)જયસિંહ ઝાલાએ ઉપસ્થિતોને શબ્દ સુમનથી આવકરી કાર્યક્રમની પ્રસ્તાવના રજુ કરી હતી. કાર્યક્રમમાં ગુજરાત યુનિ.નાં ડો. સંગીતાબેન પટેલ, ભાવનગર શામળદાસ આર્ટ કોલેજનાં ડો. નિલેષ બારોટ, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદનાં પ્રો. સુભાષ પાનધાર, ભાવનગર શામળદાસ કોલેજનાં ડો. અનિલ વાઘેલા સહિત મહાનુભાવોએ વિષય પર પોતાનાં વિચારો પ્રસ્તુત કર્યા હતા. રાજ્યભારમાંથી સંશોધકોએ પોતાનાં રીચર્સ પેપર પસ્તુ કરી આ કાર્યક્રમમાં ઉપસ્થિતી નોંધાવી હતી. સેમિનાર સંલગ્ન સંપાદિત સોવેનિયરને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે વિમોચિત કરાયુ હતુ. ઉદઘાટન સત્રનું આભાર દર્શન રજીસ્ટ્રાર ડો. મયંક સોનીએ કર્યુ હતુ. કાર્યક્રમનું સંચાલન એશોસીયેટ પ્રાધ્યાપક ડો. ઋષિરાજ ઉપાધ્યાએ કર્યુ હતુ. આ પ્રસંગે એક્જૂક્યુટીવ કાઉન્સીલ મેમ્બર, બોર્ડ ઓફ મેનેજમેન્ટનાં સભ્યો, એકેડેમીક કાઉન્સીલનાં સભ્યો, યુનિ.નાં વિભાગીય વડાઓ, સંશોધકો, સમાજશાસ્ત્ર વિભાગનાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર મહેશ કથીરિયા