Gujarat

વડોદરામાં મહિલાએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત

વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે 10 જુલાઈની મોડીરાત્રે એક કાર પલટી ગઈ હતી, જેને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું સ્થળ પર એકત્રિત થયું હતું. આ અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં જોઈ શકાય છે કે એક કાર અચાનક ડિવાઈડર સાથે અથડાઈ છે અને પછી બે ટપ્પા ખાઈને પલટી જાય છે.

આ ઘટનામાં મહિલા કારચાલકને ઈજા પહોંચી છે. આ મામલે અટલાદરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના ખિસકોલી સર્કલથી માંજલપુર તરફ જતા રોડ પર એક મહિલા કાર લઈને જઈ રહી હતી. એ સમયે મહિલાએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને બાદમાં કાર પલટી ખાઈ ગઈ હતી.

લોકોએ કારને રોડની સાઇડમાં ખસેડી.

ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારને ધક્કો મારીને સીધી કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને નોંધપાત્ર નુકસાન થયું છે. આ સાથે કારચાલક મહિલાને સામાન્ય ઇજાઓ થઈ છે.

ઘટનાને પગલે ખિસકોલી સર્કલથી માંજલપુર તરફ જતા રસ્તા ટ્રાફિક થઈ ગયો હતો. ઘટનાની જાણ અટલાદરા પોલીસને થતાં તરત ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.