Gujarat

બનાસકાંઠાના ડીસામાં ગાયત્રી મંદિર નજીક શોપિંગ સેન્ટરના બાંધકામની કામગીરી દરમિયાન દીવાલ ધરાશાયી થતાં એક મહિલાનું મોત

બનાસકાંઠાના ડીસામાં એક ભયંકર દુર્ઘટના ઘટી હતી જેમાં, ગાયત્રી મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટરના બાંધકામની કામગીરી દરમિયાન ગેરકાયદે દીવાલ ધરાશાયી થતા એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે દીકરીનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર દૂરઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાને પગલે સુપરવાઈઝર, મજૂરો અને જેસીબી ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

આ દુર્ઘટનામાં રસ્તા પરથી પસાર થઈ રહેલા તેજલબહેન વિરાજી ઠાકોર નામની મહિલાનું મોત નીપજ્યું હતું. તેજબહેનના ભાઈના લગ્ન હોવાથી તે ડીસા બજારમાં ખરીદી કરવા માટે આવ્યા હતા.

જ્યારે ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે કે, બાંધકામ સ્થળે જેસીબીની ટક્કરથી બાજુની દીવાલ ધરાશાયી થઈ હતી. આ દરમિયાન મહિલા અને તેમના પરિવાર ચાલીને જઈ રહ્યા હતા. જ્યારે દીવાલ તૂટી પડતાં મહિલા તેની નીચે દટાયા હતા.

આ સમગ્ર દૂરઘટનાને પગલે પોલીસે સ્થળ પર પહોંચી હતી અને મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ગેરકાયદે બાંધકામને લઈને પોલીસે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.