Gujarat

અગાઉના ઝઘડાની અદાવત રાખી જાહેરમાં છુટ્ટા હાથની મારામારી કરી; એક યુવકને ગળામાં ચપ્પુના બે ઘા વાગ્યા

સુરતના ડીંડોલી વિસ્તારમાં અગાઉની અદાવતે મારામારીની ઘટના બની હતી. બે પક્ષો વચ્ચે છરી, લાકડી, પાઈપ વડે થતી ફટકાબાજીનો વીડિયો કોઇ સ્થાનિકે ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં મામલો ડીંડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો. ઘટનામાં કારચાલકે એક યુવકના ગળાના ભાગે ચપ્પુ મારી દેતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ઘટનામાં બે યુવકોને ઈજા થઈ સુરતમાં બે પક્ષો વચ્ચે મારામારીની ઘટના બની હતી. મારામારીની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ડીંડોલી વિસ્તારમાં આવેલા અંબિકા ટાઉનશિપમાં મારામારીની ઘટના બની હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે, લાકડાના ફટકા વડે યુવકોને માર મારવામાં આવ્યો હતો. મારમારીની આ ઘટનામાં બે યુવકોને ઈજા થઇ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા સમગ્ર મામલો ડીંડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા હાલ આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઝઘડાની અદાવતમાં મારામારી થઈ આ મામલે ડીંડોલી પોલીસ મથકમાં મહેન્દ્ર પ્રતાપસિંઘે નોંધાવેલી ફરિયાદ મુજબ આશિષસિંઘ તથા તેનો ભાઇ અર્પિતસિંઘ તથા આશિષનો મિત્ર તથા કારમાં આવેલા એક અજાણ્યા ઇસમે તેમના ભાણેજ સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને ઝઘડો કર્યો હતો.

જેમાં બ્રેઝા કારના ચાલકે ભાણેજ અમનને ગરદનના ભાગે ચપ્પુના બે ઘા મારી દીધા હતા. તેમજ આશિષસિંઘ તથા તેના ભાઇ અર્પિતસિંઘે તેમના સાળા સંદીપસિંઘ તથા ભાણેજ અમનને ફટકાઓ વડે માર માર્યો હતો અને આશિષસિંઘે ભાણેજ અમનને દાઢીના ભાગે તથા ડાબા હાથના પંજાના ભાગે ચપ્પુના ઘા મારતા મહેન્દ્ર પ્રતાપસિંઘ તેને બચાવવા વચ્ચે પડતા બ્રેઝા કારના ચાલકે ડાબા હાથના પંજાના ભાગે ફટકો માર્યો હતો. જે બાદ તમામ ઈસમો નાસી ગયા હતા.