Gujarat

વડોદરામાં ખાડામાં પડતા યુવકની આંગળી કપાઇ ગઇ હોવાનો આરોપ

આજીવીકા પર જાેખમ ઉભુ થતા યુવક દ્વારા પાલિકા પાસે વળતરની માંગણી કરાઇ

વડોદરામાં ખાડાઓ હવે વધારે નુકસાનકારક અને જાેખમી બની ગયા હોય તેમ લાગી રહ્યું છે તેવો એક દાખલો સામે આવ્યો હતો જેમાં, બિલ કેનાલ રોડ ઉપર ડવ ચાર રસ્તા પાસે ખાડાના કારણે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકને હાથની એક આંગળી ગુમાવવાની નોબત આવતા કોર્પોરેશન પાસે વળતરની માંગણી કરી છે.

બિલ કેનાલ રોડ ઉપર આવેલા પ્લેનેટ વનમાં રહેતા દેવીદાસભાઈ ગઈકાલે (૧૨ જુલાઈ) વહેલી સવારે ૬ વાગ્યે દૂધ લેવા માટે નીકળ્યા હતા. આ સમયે નજીકમાં જ ડવ ચાર રસ્તા પાસે ખાડાના કારણે દેવીદાસ જમીન પર પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને જમણા હાથની એક આંગળી ગુમાવવી પડી છે.

ખાડાઓ ના કારણે અકસ્માતમાં પોતાના હાથની એક આંગળી ગુમાવવાને લઈને દેવીદાસે આ ઘટના કોર્પોરેશનની બેદરકારીથી સર્જાઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ‘ખાડાના કારણે મારું બાઈક સ્લીપ થઈ જતાં અકસ્માતમાં મેં હાથની એક આંગળી ગુમાવી છે. હું પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું. જેમાં મોટાભાગનું કામ કોમ્પ્યુટર આધારિત રહે છે. આંગળીના કારણે મને અપંગતા આવતા મારા આવકના સ્ત્રોત સામે જાેખમ સર્જાતા કોર્પોરેશન પાસે વળતરની માંગણી કરુ છું.‘

સમગ્ર ઘટનામાં ભોગ બનનારે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે, મારૂ નામ દેવીદાસ બરાડે છે, હું બીલ કલાલી રોડ પર આવેલા પ્લેનેટોરીયમ – ૧ માં રહું છું. હું સવારે ૬ વાગ્યે ગઇ કાલે દુધ લેવા માટે બહાર જતો હતો. હું ડવ ચાર રસ્તા પાસે પહોંચ્યો ત્યાં બહુબધા ખાડા હતા. ખાડાઓના લીધે મારુ વાહન સ્લીપ થઇ ગયું હતું. અને હું નીચે પટકાયો હતો. રસ્તા પર પડતા મારી આંગળી ભાંગી ગઇ હતી. ત્યાર બાદ હું ડોક્ટર પાસે ગયો હતો, ડોક્ટરે મારી આંગળીનો ભાગ કાપીને ત્યાં ટાંકા લઇ લીધા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, હું ખાનગી કંપનીમાં કામ કરૂં છું. મારૂ કામ કોમ્પ્યુટર પર હોય છે. પરંતુ આના કારણે હું કોમ્પ્યુટર પર સારી રીતે કેમ નહીં કરી શકું. આ મને આજીવન તકલીફ રહેશે, અને આના કારણે હું જીવનનું ઘણું બધું ભોગવીશ. મારી આજીવીકાના સાઘન પર અસર થવાની છે, જેથી મને પાલિકાએ વળતર ચૂકવવું જાેઇએ. મારૂ જીવન ગાળવા માટે મને ઘણી મુશ્કેલીઓ પડશે, હું નોકરી ગુમાવું તેવી શક્યતા પણ છે. હું ખાડામાં પડતા નજીકમાં હાજર લોકોએ મને બહાર કાઢ્યો હતો, અને ત્યાર બાદ મારી પત્નીને બોલાવી અને અમે હોસ્પિટલ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટરે સર્જરી કરવાનું જણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું કે, એક કલાકમાં અમે પૈસાની સગવડ કરી, ત્યાર બાદ સર્જરી કરીને પછી રજા આપવામાં આવી હતી. મેં ડોક્ટરને કહ્યું કે, મને આંગળી પાછી જાેડી આપો, તો ડોક્ટરે સામે જણાવ્યું કે, આંગળી નખમાંથી છુટી પડી ગઇ છે. રસ્તો ખરાબ થવાના કારણે આ થયું છે. આની સંપૂર્ણ જવાબદારી પાલિકાની છે. મારા પરિવારમાં ચાર સભ્યો છે, તેમાંથી હું એકમાત્ર આજીવીકા માટે કમાઉં છું. મારા સંતાનો ભણે છે, અને પત્ની ગૃહકામ કરે છે. આંગળી કપાઇ જવાના કારણે હું ભારે મુશ્કેલીમાં મુકાયો છું.