મહેસાણા પોલીસે નિયમ તોડનારાઓને કાયદાનું ભાન કરાવ્યું
મહેસાણા જિલ્લામા શંકાસ્પદ પરિવહન કરતા વાહનો મામલે લોકોમાં ભારે ભય સતાવતો હતો. ત્યારે આ મામલે અહેવાલ બાદ મહેસાણા જિલ્લામાં પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.પોલીસે વિવિધ જગ્યાએથી નંબર પ્લેટ વગરના તેમજ બ્લેક ફિલ્મ વાળા વાહનચાલકોને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક નબીરાઓ વાહનોના કાળા કાચ અને નંબર પ્લેટ લગાવ્યા વિના જ ફરતા હોવાની બુમરાડ પ્રજાજનોમાં ઉઠી હતી.
નબીરાઓની આ પ્રવૃત્તિને તંત્ર દ્વારા નજરઅંદાજ કરવામાં આવતા તે ગેરકાયદેસર પ્રવૃત્તિ માત્ર નિયમનો ભંગ કરવા પૂરતી સીમિત ન રહેતા રસ્તામાં કે જાહેર સ્થળોએ સામાન્ય નાગરિકો પર રોફ જમાવવા કે જાેખમી ડ્રાઈવિંગ કરી અન્ય વાહન ચાલકોની પજવણી કરવા સુધી પહોંચી હતી.
જાેકે તાજેતરમાં આ અંગેની વિગતોનો અહેવાલ પ્રકાશિત થતા મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ ગંભીરતા દાખવી હોય તેમ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસને સઘન કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં કાળા કાચ લગાવેલ અને નંબર પ્લેટ વગરના વાહનો લઈ ફરતા નબીરાઓને પોલીસે પકડી પકડી કાર્યવાહી કરતા તેમનો રોફ ઉતારી કાયદાનું ભાન કરાવ્યું હતું.

