ગોંડલના સુરેશ્વર ફાટક અને ભોજપરા ગામ વચ્ચેના રેલ્વે ટ્રેક પર 25 વર્ષીય શૈલેન્દ્રસિંહ ઉર્ફે પંકજ મહેન્દ્રસિંહ રાજાવતે આત્મહત્યા કરી લીધી છે. ગત રાત્રે આશરે 2 વાગ્યાના સુમારે યુવકે રાજકોટથી ગોંડલ જતી માલગાડી ટ્રેન નીચે પડતું મૂકી દીધું હતું.
ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતકને તેની પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાથી વ્યથિત થઈને તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ઘટના સ્થળ દૂર હોવાના કારણે, શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ સુરેશ્વર ફાટક પાસે પાર્ક કરવામાં આવી હતી. ટ્રસ્ટના સભ્યો ત્યાંથી આશરે 2 કિલોમીટર સુધી પગપાળા ચાલીને મૃતદેહ સુધી પહોંચ્યા હતા.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તાલુકા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પોલીસ આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે.

