ઉના અને ગીર ગઢડા શહેર તેમજ તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેરબાની થઈ છે. બપોર બાદ શરૂ થયેલો ધીમી ધારનો વરસાદ ક્રમશઃ તેજ થયો હતો. એક કલાકમાં જ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
વરસાદની ધોધમાર વર્ષા થતાં શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લાંબા સમય બાદ આવેલા વરસાદથી શહેરીજનોમાં રાહતની લાગણી જોવા મળી હતી. ખાસ કરીને ખેડૂતો માટે આ વરસાદ વરદાન સમાન સાબિત થયો છે.
વાવણી કરી ચૂકેલા ખેડૂતો માટે આ વરસાદ કાચા સોના સમાન છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. માત્ર શહેરી વિસ્તાર જ નહીં, પરંતુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને જંગલ વિસ્તારમાં પણ સારો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.