Gujarat

વાઇરલ વીડિયો બાદ પોલીસે કાર્યવાહી કરી, બે માથાભારે અને એક સગીર સામે ગુનો નોંધ્યો

ઉના શહેરના દેલવાડા રોડ પર જાહેરમાં થયેલી મારામારીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાની ગંભીર નોંધ લેતા જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા, પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરીએ તપાસનો આદેશ આપ્યો હતો.

ઉના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.રાણાની આગેવાની હેઠળ વિવિધ ટીમો બનાવવામાં આવી. પોલીસે રવિભાઇ બાબુભાઇ બાંભણીયા (50 વર્ષ), કુણાલ ઉર્ફે સુજલ રવિભાઇ બાંભણીયા (20 વર્ષ) અને એક સગીરની અટકાયત કરી છે. આરોપીઓ સામે બી.એન.એસ.કલમ-194(2) અને જી.પી.એક્ટ કલમ-135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. તેમની સામે અગાઉ બે વખત પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી. બંને આરોપીઓ વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ 392, 394, 397, 34 અને જી.પી.એક્ટ કલમ-135 મુજબ ગુજશીટો દાખલ થયેલ છે. આરોપીઓ અગાઉ જેલવાસ ભોગવી ચૂક્યા છે, છતાં તેઓ નિર્દોષ લોકોને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું.

વધુ એક મારામારીનો વિડિયો સામે આવતા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.રાણા અને તેમની ટીમે આરોપીઓને પકડી પાડ્યા છે. પોલીસે આ કેસમાં ફરિયાદી બનીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.