સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી લાંબા સમયથી બંધ પડેલી ફ્લાઈટ્સ ફરી શરૂ થઈ છે. સ્ટાર એર દ્વારા સુરતથી જામનગર અને કચ્છ-ભુજ માટે ફ્લાઈટ્સ ફરી શરૂ કરવામાં આવી છે. આશરે દોઢ વર્ષના લાંબા અંતરાલ બાદ શરૂ થયેલી આ ફ્લાઈટ્સના પ્રથમ દિવસે જ 70% પેસેન્જર સપોર્ટ મળ્યો છે, જે હવાઈ મુસાફરી પ્રત્યે લોકોની વધતી રુચિ અને વિશ્વાસ દર્શાવે છે.
નવેમ્બર 2020માં સ્ટાર એરે સુરતથી કિશનગઢ (રાજસ્થાન) અને બેલગામ (કર્ણાટક) માટે નિયમિત ફ્લાઈટ સેવાઓ શરૂ કરી હતી પરંતુ, અમુક ઓપરેશનલ કારણોસર તેમને 2024ની શરૂઆતમાં આ સેવાઓ બંધ કરવી પડી હતી. ત્યારથી સુરતથી આ વિસ્તારો માટે હવાઈ કનેક્ટિવિટીનો અભાવ વર્તાઈ રહ્યો હતો અને મુસાફરોને અન્ય મુસાફરીના વિકલ્પો અપનાવવા પડતા હતા.
સ્ટાર એર દ્વારા આ ફ્લાઈટ્સ ફરી શરૂ થવાથી વેપારીઓ અને પર્યટન સાથે સંકળાયેલા લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત અને આસપાસના વિસ્તારોમાં મુસાફરી હવે વધુ સુલભ અને અનુકૂળ બની છે. એરલાઈનની આ પહેલથી સ્થાનિક વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓમાં પણ સકારાત્મક અસર થવાની અપેક્ષા છે. ભવિષ્યમાં સ્ટાર એર દ્વારા અન્ય નવા રૂટ પર પણ ફ્લાઈટ્સ શરૂ થાય એવી શક્યતા છે.