અમદાવાદના મોટેરા ખાતે આવેલા આસારામ આશ્રમની પાછળના ભાગે નદીની તરફ આવેલી ખાનગી માલિકીની જગ્યામાં કોર્ટ કાર્યવાહી બાદ દબાણની જગ્યાનો કબજો લેવા માટે આજે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહીને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ફાઇનલ પ્લોટની જગ્યાનું માર્કેશન (ખૂંટ મારવા) માટે ગઈ હતી.
આગામી દિવસોમાં આ જગ્યા પર ટીપી સ્કીમનો અમલ પણ કરવામાં આવી શકે છે. આ જગ્યાને લઈને એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ખાનગી માલિકીની જગ્યાનો લાંબા સમયથી વિવાદ ચાલતો હતો સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના મોટેરા ખાતે આવેલા આસારામ આશ્રમની પાછળના ભાગે ટી.પી.21ના ફાયનલ પ્લોટ નં. 308 વાળી 7000 ચોરસ વાર ખાનગી માલિકીની જગ્યાને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હતો.
ખાનગી માલિકીની જગ્યા અને આસારામ આશ્રમ વચ્ચે ચાલતા આ વિવાદને લઈને કોર્ટના આદેશ બાદ આખરે ખાનગી વ્યક્તિ દ્વારા આ જગ્યાનો કબજો લેવા માટે પોલીસ બંદોબસ્ત મેળવ્યો હતો.
મ્યુનિસિપલ ટાઉન પ્લાનીંગનો અમલ શરૂ કરી શકે છે ખાનગી જગ્યાના માલિક દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગમાં જગ્યાની ચોક્કસ સ્થળ સ્થિતિનો માર્કેશન (ખુંટ મારી) માટે અરજી કરી હતી. જે માર્કેશન બાદ ત્યાં ફેન્સીંગ અથવા દિવાલ બનાવી શકે છે.
જેથી આજે મંગળવારે ખાનગી માલિક દ્વારા ચાંદખેડા પોલીસ નો બંદોબસ્ત મેળવવામાં આવ્યો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનની પશ્ચિમના એસ્ટેટ વિભાગની ટીમ સાથે જગ્યા પર પહોંચ્યા હતા. એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર જઇ આ જગ્યાની સ્થળ-સ્થિતિના ખુંટ મારી આપ્યા હતા.
ખાનગી પ્લોટની બાજુમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ પ્લોટ આવ્યો હોવાનું સુત્રો મુજબ જાણવા મળ્યું છે. આગામી દિવસોમાં આ વિસ્તારમાં મ્યુનિ. દ્વારા ટાઉન પ્લાનીંગનો અમલ શરૂ કરવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.