રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે છઠ્ઠો દિવસ છે. રાત્રે ત્રણ વાગ્યે તેમણે સોનરડી ગામના પાટિયા પાસેથી પદયાત્રા શરૂ કરીને સવારે આઠ વાગ્યે ગુરગઢ ગામના પાટિયા પાસે પૂરી કરી. છ દિવસમાં અનંત અંબાણીએ 60 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. આજે મહિલાઓએ કંકુ તિલક કરીને અનંત અંબાણીનું સ્વાગત કર્યું હતું. જ્યારે બાળાઓએ દ્વારકાધીશનો ફોટો આપીને વનતારા આવવાનું કહેતાં અનંતે કહ્યું કે, તમે બધા ચોક્કસથી વનતારા આવજો. પદયાત્રામાં એક્ટ્રેસ જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડ અને બિઝનેસમેન શિખર પહાડિયાએ બધાનું ધ્યાન ખેંચ્યુ હતું.
બાળકોએ દ્વારકાધીશનો ફોટો આપી સ્વાગત કર્યું છેલ્લા છ દિવસથી એટલે કે 28 માર્ચથી અનંત અંબાણી રિલાયન્સ ટાઉનશિપ-વનતારાથી દ્વારકાની પદયાત્રા કરી રહ્યા છે. અનંત અંબાણીની પદયાત્રા દરમિયાન માર્ગ પર મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ, યુવાનો તેમજ વડીલો અનંત અંબાણીની ઝલક જોવા માટે કલાકો સુધી રાહ જોતા જોવા મળે છે અને હર્ષભેર સ્વાગત કરે છે.
આજે છઠ્ઠા દિવસે મહિલાઓએ કંકુ-તિલક, ચોખા અને બાળકોએ દ્વારકાધીશનો ફોટો આપી અનંત અંબાણીનું સ્વાગત કર્યું હતું.
અનંત અંબાણી પદયાત્રામાં હનુમાન ચાલીસા, શ્રીરામ જય રામ..જયજય રામ… ગાયત્રીના પાઠ, હરહર મહાદેવ, જય દ્વારકાધીશના નારાઓ બોલતા જાય છે અને પદયાત્રા કરતા જાય ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે.
રસ્તામાં તેઓ તમામ બાળકો, વડીલો અને યુવાનોને પ્રસાદી રૂપે નાસ્તો, ઠંડું પીણું અને ફ્રુટ સહિતની વસ્તુઓ પણ સતત આપતા રહે છે. ખાસ કરીને નાનાં બાળકો અનંત અંબાણીને જોવા માટે મોડી રાતથી વહેલી સવાર સુધી રસ્તા ઉપર જોવા મળે છે અને અનંત અંબાણીને જોઈને જય દ્વારકાધીશ…જય દ્વારકાધીશના નારા લગાવે છે.