Gujarat

બે વાહન, કોમ્પ્યુટર, પ્રિન્ટર, ફાઈલો, બિલ બધું જ બળીને ખાખ, એક ફાયરકર્મી ઈજાગ્રસ્ત

રાજકોટમાં વધુ એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલ રૂડા ટ્રાન્સપોર્ટ વિસ્તારની બાજુમાં આવેલ દિવેલીયા વિસ્તારમાં આવેલી શેમ્પુ બનાવતી ફેકટરીમાં બપોરના 12 વાગ્યે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. બેરલમાં બ્લાસ્ટ થવાથી કેમિકલ ફેક્ટરીમાંથી બહાર રસ્તા પર આવી ગયું હોવાથી રસ્તા ઉપર પણ આગ લાગી હોવાના દૃશ્યો સામે આવ્યા હતા.

અંદરના ભાગે કેમિકલ પણ હોવાથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગમાં બે વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. ત્યારબાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરે ફોમનો મારો ચલાવ્યો હતો, જેથી આગ 2 કલાકમાં જ 80 ટકા જેટલી કાબૂમાં આવી ગઈ હતી. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે.

ફાયર વિભાગના 60 લોકોએ આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી જે.કે.કોટેજ નામની ફેકટરીમાં આગ લાગતા ફાયર વિભાગના 60 લોકોએ આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી.

આ દરમિયાન ફાયર વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારી ઈજાગ્રસ્ત થયા હતા. ફાયર વિભાગના કર્મચારી વિજયભાઈ જેસર પાણીનો મારો ચલાવી રહ્યા હતા, તે દરમિયાન તેમનો પગ સ્લીપ થતા તેઓ રસ્તા પર પડી ગયા હતા અને પગમાં ઇજા પહોંચી હતી. તુરંત ઈજાગ્રસ્તને સિવિલમાં દાખલ કરતા પગે પ્લાસ્ટર બાંધી તબીબી સારવાર અપાવી તેમના ઘરે મોકલી આપવામાં આવ્યા છે. ડૉક્ટરો દ્વારા તેમને હાલમાં આરામની સલાહ આપવામાં આવી છે અને હાલ તેમની તબિયત સ્વસ્થ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કોમ્પ્યુટર, પ્રિન્ટર, ફાઈલો, બિલ બધુ જ આગમાં ભડકે બળ્યું કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના માલીકના જણાવ્યા મુજબ ઓફિસમાં રાખેલા કોમ્પ્યુટર, પ્રિન્ટર, ફાઈલો, બિલ, વગેરે પેપર બધા આગમાં સળગી ગયા છે. આ ઉપરાંત બે વાહન નંબર જીજે.03.કેજે.4055 નંબરનું જયુપીટર અને જીજે.03.એમસી.5397 હોન્ડા ડીલકસ સળગી ગયા છે.

આગ લાગવાથી અન્ય કોઈ જાનહાનિ થઈ નથી અને આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ યુનિટ બચાવી લીધા છે. જે. કે. કોટેજ ઇન્ડ.માં આગ લાગી તે જગ્યાના રોડ ઉપરથી 66 કે વી ઈલેક્ટ્રીક લાઈન પસાર થતી હતી, જે લાઈન ચાલુ હતી છતાં પણ ફાયર બ્રિગેડ સ્ટાફે ભારે જેહમત ઉઠાવી આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરી હતી. ત્યારબાદ PGVCL સ્ટાફે આવી લાઇન બંધ કરાવવામાં આવી હતી.