Gujarat

ધાનેરાના અર્બુદાનગરમાં ઘર આગળ જ ગટરનાં પાણી ભરાતાં લોકોમાં રોષ

ધાનેરામાં અર્બુદાનગર વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી મકાનો આગળ જાહેર માર્ગ ઉપર જ ગટર ઉભરાઇ રહી છે. વારંવાર રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા કોઇ કામગીરી ન થતાં રહિશો ત્રાહિમામ પોકારી ગયા છે.

દુર્ગંધના કારણે બે ટાઇમ સરખી રીતે જમી શકતા નથી. આ અંગે ભલાભાઈ, પીરાભાઇ, તુષારભાઇએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતુ કે, છેલ્લા એક વર્ષથી ગંદા પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છીએ. ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ થતાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે.

પાણી માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધ મારતુ હોવાથી બે ટાઇમ ભોજન લેવું પણ મુશ્કેલ બન્યું છે. સમસ્યા બાબતે સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં લેખિત, મૌખિક રજુઆતો કરી છે. પરંતુ સ્વચ્છતા અને સુંદરતાના દાવા કરતા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઇ કામગીરી કરવામાં આવતી જ નથી.શહેરની દીવાલો ઉપર સ્વચ્છતાના ચિત્રો,વાસ્તવિકતા અલગ છે. ઘર આગળ જ ગટરના પાણી ભરાતા લોકોનું રહેવું દુસ્કર બન્યું છે.