ગોધરા ભુરાવાવ આસપાસની 7 સોસાયટીમાં પાણી ઘુસી જતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. મકાનોમાં પાણી ઘુસી જતા કેટલાક દિવસોથી ઉજાગરા કરવાનો વારો આવેલ છે. સમસ્યાને લઈને સ્થાનિક સોસાયટીની મહિલાઓ સોસાયટીના મુખ્ય માર્ગ પર આવીને હોબાળો મચાવ્યો હતો. ગોધરામાં ગત સોમવારના ધોધમાર વરસાદ પડયો હતો જેમા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં.
ગોધરા ભુરાવાવ પાસે આવેલ કૃષ્ણસાગર તળાવ ઓવરફ્લો થતા નજીકની સર્યૂવિલા-1-2-3, ચંદ્રિકાવિહાર, શ્રીજીપાર્ક, સંસ્કારનગરી, અંકુર સ્કૂલ પાસેનો વિસ્તાર, નાલંદા સ્કૂલ પાસેના વિસ્તાર સહિત અનેક સોસાયટી વિસ્તારોમાં તળાવના પાણી ઘુસી જતા જળબંબાકાર સ્થિતનું નિર્માણ થયું હતુ. જેથી સ્થાનિકોને હાલ ઉજાગરા કરવાનો વારો આવેલ હતો. હાલ વરસાદ બંધ હોવા છતાં હજુ સુધી પાણી ઓસર્યું નથી.
આ સોસાયટીઓમાં વરસાદી પાણીનો કાયમી કોઈ નિકાલ ના હોવાને કારણે દર વર્ષે સ્થાનિકોને ચોમાસામાં ઉજાગરા કરવાનો વારો આવે છે. જો તંત્ર દ્વારા નક્કર પગલાં ભરવામાં નહિ આવે તો ભારે વરસાદ ક્યારેક આ તમામ સોસાયટીઓને ડુબાડશે તેવી સ્થતિનું નિર્માણ થવા પામેલ છે.