રાજુલા તાલુકાના ભાક્ષી નજીક ધાતરવડી ડેમ પાસે ત્રણ લીઝમા પથ્થર કાઢવા મોટા પ્રમાણમા બ્લાસ્ટ કરાતા હોય અને તેનાથી ડેમ પર ખતરો હોવા અંગે વિરોધ ઉઠયાં બાદ સિસ્મોલોજી વિભાગે બ્લાસ્ટનુ કંપન માપવા સર્વે કર્યો હતો. પરંતુ રાજકીય વગ ધરાવતા તત્વોની લીઝ બચાવવા ગાંધીનગરમા બંધ બારણે ગોઠવણો કરી માત્ર એક નાની લીઝ બંધ કરી બાકીની બે લીઝ ચાલુ રાખવા તખ્તો ઘડાયો છે.
ધાતરવડી ડેમ નજીકની આ ત્રણેય લીઝમા રાજકીય આગેવાનોનુ હિત સમાયેલુ હોય સ્થાનિક લોકોના વિરોધની કોઇ ગણના કરવામા આવી રહી નથી. આ લીઝના કારણે ડેમના સ્ટ્રકચર પર ગંભીર ખતરો ઝળુંબી રહ્યો છે અને ડેમ તથા નદીના પાણી દુષિત થઇ રહ્યાં છે.
મોટા પ્રમાણમા બ્લાસ્ટ કરવામા આવતા હોય ખેડૂતો પર મોટુ જોખમ હોવાથી આસપાસના ગામોના લોકો વિરોધ કરી રહ્યાં છે. આ મુદે ત્રણ ભરડીયાઓ બંધ કરાવવા પ્રાંત કચેરીને ઘેરાવથી લઇ રજુઆતો સુધીના આંદોલનના મંડાણ થતા બ્લાસ્ટની ડેમ પર કેટલી અસર થાય છે તે જાણવા સિસ્મોલોજી વિભાગને જવાબદારી સોંપાઇ હતી.
બે માસ પહેલા અહી સિસ્મોલોજી વિભાગે વિવિધ યંત્રો ગોઠવી બ્લાસ્ટની શું અસર થઇ રહી છે તેનો સર્વે કર્યો હતો. દોઢ માસ થઇ જવા છતા આ સર્વેનો રીપોર્ટ જાહેર કરવામા આવ્યો નથી એટલુ જ નહી સિંચાઇ વિભાગને પણ સર્વે અંગે કોઇ જાણકારી આપવામા આવી નથી.
બલકે સુત્રોમાથી જાણવા મળતી વિગત મુજબ મામલો રાજકીય નેતાઓ સાથે જોડાયેલો હોય અહી એક નાની લીઝને બંધ કરી બાકીની બે મહાકાય લીઝને બચાવી લેવા તખ્તો ઘડવામા આવ્યો છે.
આ માટે નેતાઓ અને કાર્યકરોએ તાજેતરમા ગાંધીનગરમા ધામા પણ નાખ્યા હતા અને જવાબદારો સામે અંદરખાને બેઠક પણ કરી હતી. અહી ખેડૂતોની રજુઆત કે ગામ લોકોની માંગણીનુ જાણે કોઇ મુલ્ય ન હોય તેમ સમગ્ર તંત્ર ભાજપના નેતાઓના ફાયદા માટે કામ કરી રહ્યાંનુ ચિત્ર ઉપજી રહ્યું છે.
અગાઉ જિલ્લા કલેકટરની મુલાકાતથી લઇ લોકોની રજુઆતનુ પરિણામ શુન્ય આવ્યુ હતુ તેમ હવે સિસ્મોલોજી વિભાગના સર્વેનુ પણ પરિણામ શુન્ય આવે તેવો ઘાટ ઘડાઇ ચુકયો છે. સિસ્મોલોજી વિભાગ દ્વારા સર્વેની કામગીરી કરાઇ હતી. પરંતુ હજુ સુધી અમને તેનો રીપોર્ટ મળ્યો નથી.
જે.આર.સવનેર, અમરેલીના ઇન્ચાર્જ ખાણ ખનીજ અધિકારી સ્થાનિક અધિકારીથી લઇ કલેકટર સુધી રજુઆત કરી છે. હવે તો સર્વે પણ થયો છે, માત્ર તપાસની વાતો થાય છે, પરંતુ ડેમ બચાવવા માટે કોઇ કાર્યવાહી થતી નથી.
ચંપુભાઇ ધાખડા, વેરા ગામના ખેડૂત અહી સિસ્મોલોજી વિભાગ દ્વારા સર્વે કરવામા આવ્યો છે અને તેનો રીપોર્ટ જાહેર થયો નથી આમ છતા ભરડીયામા સતત બ્લાસ્ટ કરવામા આવી રહ્યાં છે જેનાથી ખેડૂતો ચિંતિત છે. અહી વર્ષોથી ડેમની બાજુમા જ બ્લાસ્ટ કરવામા આવી રહ્યાં છે.
ત્યારે સિંચાઇ યોજના નજીક જીઓ ફિઝિકલ ઇન્વેસ્ટીગેશન માટે સિંચાઇ વિભાગે એક કરોડ ઉપરાંતનુ ટેન્ડર બહાર પાડયુ હતુ. પરંતુ ગુજરાતની કોઇ એજન્સીએ ટેન્ડર ન ભરતા તે ઓટોમેટિક રદ થયુ હતુ.
જીયો ફિઝીકલ ઇન્વેસ્ટીગેશન માટેનું ટેન્ડર પણ રદ્દ થયું
હજુ અમને રિપોર્ટ મળ્યો નથી: અધિકારી
રિપોર્ટ આવ્યો નથી છતા લીઝમાં બ્લાસ્ટ

