Gujarat

આરોપી સહિત તેના પિતા અને ભાઈની ધરપકડ

ખંભાળિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 23 વર્ષની યુવતી પર છરી વડે હુમલો કરવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

મુખ્ય આરોપી વિશાલ ઉર્ફે વિશલો પારીયા (27) યુવતી પર પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.

યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા, ગત ગુરુવારે રાત્રે વિશાલે તેણીને રસ્તામાં અટકાવી. તેણે યુવતીના શરીર પર છરી વડે અનેક ઘા કર્યા.

આરોપીના પિતા સોમા પેથા પારીયા (50) અને ભાઈ ખેંગાર ઉર્ફે વિનોદ (25) એ પણ યુવતીને પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ હાથ ધરી.

સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.