ખેડા જિલ્લામાં સેવાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક વિવાદિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વીડિયોમા પોલીસ કર્મચારી અને તેના મળતિયા લોક રક્ષક દળના જવાન રોડ પર મોટરસાયકલ ચાલક પાસેથી નાણાંકીય વ્યવહાર કરતા નજરે પડે છે.
જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ આ મામલાની ગંભીર નોંધ લીધી છે. વાયરલ વિડિયોમાં દેખાતા સેવાલીયા પોલીસના ASI નિલેશ પાટીલ અને લોક રક્ષક રાહુલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલા વીડિયોમા પોલીસ કર્મચારી અને તેના મળતિયા લોક રક્ષક દળના જવાન રોડ પર મોટરસાયકલ ચાલક પાસેથી નાણાંકીય વ્યવહાર કરતા નજરે પડે છે. આ વીડિયો બાબતની તપાસ ડીવાયએસપી કરી રહ્યા છે.
આ વીડિયોમાં શું તથ્ય રહેલું છે તે જાણવા પ્રયાસો પોલીસ કરી રહી છે. હાલ પોલીસે બંને સામે પગલા પણ ભર્યા હોવાનું જાણવા મળ્યું છે.
ASI નિલેશ પાટીલ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. સેવાલીયા પોલીસ સ્ટેશનના પીઆઈએ આ અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો.
આ રિપોર્ટના આધારે બંને કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વીડિયોની વાસ્તવિકતા અને આરોપોની તપાસ માટે નડિયાદ ડીવાયએસપીને જવાબદારી સોંપવામાં આવી છે.
તપાસમાં મળનારા પુરાવાઓના આધારે વધુ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ વડાએ જણાવ્યું કે, વીડિયોની વિગતવાર તપાસ બાદ જ તેની પ્રકૃતિ અંગે માહિતી જાહેર કરવામાં આવશે.

