Gujarat

મીની ટ્રેક્ટર અને અન્ય સાધનો પર સહાય, 8 ઓગસ્ટ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે

પાટણ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે વર્ષ 2025-2026ની નવી યોજના હેઠળ સહાય મેળવવાની તક ઉપલબ્ધ થઈ છે. બાગાયત ખાતા દ્વારા “કૃષિ યાંત્રીકરણને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ” અંતર્ગત મીની ટ્રેક્ટર (ફક્ત 20 PTO HP સુધીના) સાથે મીની રોટાવેટર તથા મીની કલ્ટીવેટર સાધનો પૈકી ઓછામાં ઓછા એક સાધનની ખરીદી પર સહાય આપવામાં આવશે.

આ ઉપરાંત મીની ટ્રેલર અને પાણીના ટેન્કર (મીની) પર પણ સહાય મળશે. ચાલુ વર્ષે લક્ષ્યાંક મુજબ પાટણ જિલ્લાના ખેડૂતોની અરજીઓ ઓછી મળેલ હોવાથી, નવી ઓનલાઈન અરજીઓ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ 2.0 (https://ikhedut.gujarat.gov.in/site) તા.25/07/2025 થી તા.08/08/2025 સુધી (15 દિવસ માટે) ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

ખેડૂતોએ અરજી કરતા પહેલા નવીન આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર લાભાર્થી નોંધણી કરવી ફરજિયાત છે. નોંધણી માટે મોબાઈલ નંબર આવશ્યક છે. એક મોબાઈલ નંબરથી માત્ર એક જ નોંધણી શક્ય બનશે.

અરજી કરતી વખતે ખેડૂતોએ નીચેના દસ્તાવેજો સાથે રાખવા જરૂરી છે:

  • મોબાઈલ નંબર (ઓટીપી માટે)
  • 7/12, 8-અ ની તાજેતરની અદ્યતન અસલ નકલ
  • આધાર કાર્ડ
  • બેન્ક ખાતાની અદ્યતન પાસબુક/કેન્સલ ચેક
  • રેશનકાર્ડની નકલ
  • અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના ખેડૂત હોય તો જાતિ અંગેનું પ્રમાણપત્ર

ઓનલાઈન અરજી કરતી વખતે ખેડૂતોએ મીની ટ્રેક્ટર સાથે મીની રોટાવેટર, મીની કલ્ટીવેટર, મીની ટ્રેલર અને પાણીનું ટેન્કર (મીની) પૈકી જે સાધનોમાં લાભ લેવા માંગે છે તે પસંદ કરવાના રહેશે.