Gujarat

લગ્ન સમારંભમાં 2000 મહેમાનોને પર્યાવરણ સંકલ્પપત્ર અને સંસ્કૃત પુસ્તક અપાયું

ખેડા જિલ્લામાં એક લગ્ન સમારંભે પર્યાવરણ જાગૃતિ અને સાંસ્કૃતિક વારસાના જતન માટે અનોખી પહેલ કરવામાં આવી છે. પુલકિતભાઈ ગજેન્દ્રભાઈ જોશીના પુત્ર સંસ્કાર અને શ્રેયાના લગ્ન સમારંભમાં પર્યાવરણ સંરક્ષક ટીમે નવતર અભિગમ અપનાવ્યો હતો.

સમારંભમાં ઉપસ્થિત 2000 જેટલા મહેમાનોને પર્યાવરણ સંરક્ષણ માટેના સંકલ્પપત્ર આપવામાં આવ્યા હતા. આ સંકલ્પપત્રમાં પાણીનો બચાવ, વૃક્ષારોપણ અને તેની જાળવણી તેમજ પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાથે જ, ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે દરેક મહેમાનને ‘સંસ્કૃત બોલો’ પુસ્તક પણ ભેટ આપવામાં આવ્યું, જેથી પ્રાચીન સંસ્કૃત ભાષાને રોજિંદા જીવનમાં સ્થાન મળી શકે.

આ અભિનવ પહેલને સર્વ મહેમાનોએ આવકારી હતી. કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષક ટીમના રાજ્ય કમિટી, જિલ્લા અને તાલુકા સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા. ખેડા જિલ્લાની ટીમમાંથી મિનેશભાઈ, શૈલેષભાઈ, દીપકભાઈ, ભરતભાઈ, વિશાલભાઈ, પન્નાબેન, પારુલબેન, વિપુલભાઈ સહિત અનેક શિક્ષકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ સમગ્ર આયોજન બદલ યજમાન પુલકિતભાઈ જોષીએ સૌનો આભાર માન્યો હતો.