Gujarat

લાકડી-ધોકા વડે હુમલો, બંને પક્ષની ફરિયાદ બાદ 8 શખ્સો સામે ગુનો દાખલ

મહેસાણા તાલુકાના વડસ્મા ગામમાં રિક્ષા વિવાદે બે જૂથો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું છે. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કુલ 8 શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

પ્રથમ ફરિયાદી ગણપતભાઈ વાહજીભાઈ રાવળ (45)ના જણાવ્યા મુજબ, ગામના રાવળ અજય રાજુભાઈ, રાવળ રાજુ છનાભાઈ અને આંબલિયાસણના ઠાકોર નિખિલજી રમેશજી રિક્ષામાં આવ્યા હતા. રાજુ છનાભાઈએ તેમના દીકરાને હેરાન કરવાનો આરોપ મૂકી અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ લાકડાના ધોકા વડે હુમલો કરી માથામાં ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા.

સામા પક્ષે રાજુભાઈ છનાભાઈ રાવળ (36)એ ફરિયાદ નોંધાવી હતી. તેમના દીકરાને રિક્ષા લઈને જતા અટકાવી અજીત અમરતભાઈ રાવળે લાફો મારી દીધો હતો. આ વાતની જાણ થતાં ફરિયાદી અને તેમનો પુત્ર ઠપકો આપવા ગયા હતા.

ત્યારે અજીત અમરતભાઈ, વાહજી ખોડાભાઈ, ગણપત વાહજીભાઈ, પિન્ટુ કાળાભાઈ અને જીજ્ઞેશ કાળાભાઈએ ઉશ્કેરાઈને લાકડી-ધોકા વડે હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી. લાંઘણજ પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે આઠ શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.