રાજ્યમાં આગામી ત્રણ વર્ષમાં ૧૦ હજારથી વધુ આંગણવાડી અને નંદઘર બનાવવાનું આયોજન
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આંગણવાડી કાર્યકરોને નિમણૂકપત્ર એનાયત સમારોહ ભવ્ય રીતે યોજાયો, જેમાં રાજ્યની ૯૦૦૦થી વધુ આંગણવાડી અને તેડાગર બહેનોને રોજગારની નવી તક મળતા હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો હતો. રાજ્યના ચાર મોટા શહેરોમાં એકસાથે નિમણૂકપત્ર વિતરણ થયું, જેમાં અમદાવાદમાં ૩૪૫૮, રાજકોટમાં ૨૩૩૦, સુરતમાં ૧૫૩૦ અને વડોદરામાં ૧૮૭૪ બહેનોને નિમણૂકપત્ર મળ્યા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ જણાવ્યું કે, ૧૭૦ નવી આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવ્યા. રાજ્યમાં હાલ ૫૩ હજારથી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે અને આ વર્ષે જ ૧૬૦૦ જેટલા કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી ત્રણ વર્ષમાં ૧૦ હજારથી વધારે નવા આંગણવાડી-નંદઘરોના બાંધકામનું આયોજન કરવામાં આવ્યું છે, જે બાળકોની પ્રાથમિક સંભાળ અને પોષણક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપશે.
બહેનોને પ્રેરણા આપતા મુખ્યમંત્રીએ કહ્યું,“શિક્ષણ અને પોષણ અમારી સરકારની પ્રાથમિકતા છે. પોષણ અભિયાનમાં આંગણવાડી બહેનોની ભૂમિકા ચાવીરૂપ છે. બાળમાનસના ઘડતરમાં આંગણવાડી બહેનો માતા યશોદા જેવી સેવા આપે છે.” તેમણે ઉમેર્યું કે, “નરેન્દ્ર મોદીએ આંગણવાડી બહેનોનો ગૌરવ વધારવા ‘માતા યશોદા’ પુરસ્કારનો પ્રારંભ કર્યો છે.” રાજ્યમાં બાળકોના સર્વાંગી વિકાસ, મહિલા સશક્તિકરણ અને પોષણ અભિયાનને વેગ આપવા સરકારના આ ર્નિણયોને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

